કેરલ, પંજાબ બાદ હવે રાજસ્થાન વિધાનસભામાં પાસ થયો CAAના વિરોધમાં પ્રસ્તાવ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Jan 2020 05:13 PM (IST)
કોગ્રેસ શાસિત રાજ્ય પણ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે અને તેઓ પણ ટૂંક સમયમાં આ કાયદાના વિરોધમાં પ્રસ્તાવ લાવી શકે છે.
જયપુરઃ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરનાર રાજસ્થાન દેશનું ત્રીજુ રાજ્ય બની ગયું છે. આ અગાઉ કેરલ અને પંજાબ વિધાનસભામાં આ કાયદાના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. જ્યારે મમતા બેનર્જીના નેતૃત્વમાં પશ્વિમ બંગાળની સરકાર પણ આ કાયદાના વિરોધમાં જલદી પ્રસ્તાવ પાસ કરાવશે. તે સિવાય અન્ય કોગ્રેસ શાસિત રાજ્ય પણ આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે અને તેઓ પણ ટૂંક સમયમાં આ કાયદાના વિરોધમાં પ્રસ્તાવ લાવી શકે છે. નોંધનીય છે કે કોગ્રેસ શરૂઆતથી જ આ કાયદાનો વિરોધ કરી રહી છે. કોગ્રેસ શાસિત રાજ્યોએ આ કાયદાને લાગુ કરવાનો ઇનકાર કરી દીધો છે. કેરલની લેફ્ટ સરકારે વિધાનસભામાં આ કાયદાના વિરોધમાં પ્રસ્તાવ પાસ કરાવ્યો હતો. બાદમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના નેતૃત્વમાં પંજાબ સરકારે કાયદાના વિરોધમાં પ્રસ્તાવ પાસ કર્યો હતો. નોંધનીય છે કે સીએએ કાયદા હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છ ધર્મના શરણાર્થીઓને નાગરિકતા આપવાની જોગવાઇ છે. નાગરિકતા તેઓને આપવામાં આવશે જે ધાર્મિક ઉત્પીડનના કારણે ભારત આવ્યા છે. સાથે જ 31 ડિસેમ્બર 2014 અગાઉ ભારત આવેલા લોકોને નાગરિકતા આપવાનો નિયમ નક્કી કરવામાં આવ્યો છે.કોગ્રેસનો આરોપ છે કે સરકાર ધાર્મિક આધાર પર નાગરિકતા આપી રહી છે જે બંધારણના વિરોધમા છે.