રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના પરિણામોની રાહ જોવાઈ રહી છે. રાજસ્થાનની લડાઈમાં કમળ ખીલશે કે કોંગ્રેસ કમાલ કરશે ? આ અંગેનું ચિત્ર 4 જૂને જ સ્પષ્ટ થશે જ્યારે મતગણતરી બાદ ચૂંટણીના પરિણામો આવશે, પરંતુ તે પહેલા એક્ઝિટ પોલની રાહનો અંત આવવાનો છે. ઈન્ડિયા ટુડે માય ઈન્ડિયાના એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે.  રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે.


રાજસ્થાનમાં એનડીએને 51 ટકા વોટ અને ઈન્ડિયા ગઠબંધનને 41 ટકા વોટ મળવાનો અંદાજ છે. એનડીએને 16થી 19 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનને પાંચથી સાત બેઠકો મળવાની શક્યતા છે. જો ચૂંટણી પરિણામોમાં એક્ઝિટ પોલના અંદાજો બદલાશે તો અન્યને પણ એકથી બે બેઠકો મળી શકે છે.


રાજસ્થાનમાં લોકસભાની કુલ 25 બેઠકો છે. સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણીના પહેલા અને બીજા તબક્કામાં રાજસ્થાનની આ 25 બેઠકો પર મતદાન થયું હતું. રાજસ્થાનની 12 બેઠકો - ગંગાનગર, બિકાનેર, ચુરુ, ઝુંઝુનુ, સીકર, જયપુર ગ્રામીણ, જયપુર, અલવર, ભરતપુર, કરૌલી-ધોલપુર, દૌસા અને નાગૌર માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું. બીજા તબક્કામાં રાજ્યની 13 બેઠકો પર 26 એપ્રિલે મતદાન થયું હતું. ટોંક-સવાઈ માધોપુર, અજમેર, પાલી, જોધપુર, બાડમેર, જાલોર, ઉદયપુર, બાંસવાડા, ચિત્તોડગઢ, રાજસમંદ, ભીલવાડા, કોટા અને ઝાલાવાડ-બરાન બેઠકો માટે બીજા તબક્કામાં મતદાન થયું હતું.


દેશમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન એક્ઝિટ પોલના પરિણામો પણ સામે આવ્યા છે. એક્ઝિટ પોલ પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવતી જોવા મળી રહી છે. પોલ ઓફ પોલમાં એનડીએને 350 બેઠકો  મળતી દેખાઈ રહી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન 125-130 સીટો સુધી સીમિત જણાય છે.


જન કી બાત એક્ઝિટ પોલ


જન કી બાત એક્ઝિટ પોલમાં NDAને મહત્તમ 362-392 બેઠકો મળવાનો અંદાજ છે. જેમાં વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનને 141-161 બેઠકો મળવાનો અંદાજ છે. આ પછી ઈન્ડિયા ન્યૂઝ-ડી ડાયનેમિક્સનો અંદાજ છે કે NDAને 371 બેઠકો મળશે,  આ એક્ઝિટ પોલમાં ઈન્ડિયા એલાયન્સને 141થી 161 સીટો મળતી જોવા મળી રહી છે. 10 થી 20 સીટો અન્યને જઈ શકે છે.


રિપબ્લિક ભારત મેટ્રિક્સ


રિપબ્લિક ભારત મેટ્રિક્સના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 353-368 બેઠકો અને ઈન્ડિયા ગઠબંધનને 118-133 બેઠકો મળી શકે છે.  રિપબ્લિક ભારત- મેટ્રિક્સ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને 353થી 368 બેઠકો મળી રહી છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સને 118થી 133 સીટો મળી શકે છે. રિપબ્લિક ભારત- મેટ્રિસના એક્ઝિટ પોલમાં અન્યને 43થી 48 બેઠકો મળી રહી છે.