Nirmala Sitharaman On Ashok Gehlot: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગંભીર ભૂલ કરતા ગયા વર્ષનું બજેટ વાંચી જતા તેમની ભારે ફજેતી થઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અનુંભવી રાજકારણી તરીકેની છબી ધરાવતા ગેહલોતની ચારેકોર ભયંકર ટીકા થઈ રહી છે. હવે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પણ ટિઝળ કરી તેમની હાંસી ઉડાવી હતી. તેમણે ગેહલોતની મજાક ઉડાવતા હસતા હસતા કહ્યું હતું કે, ભૂલ કોઈથી પણ થઈ શકે છે.


કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં કહ્યું હતું કે, રાજસ્થાનમાં ગડબડ છે. તેમણે (CM ગેહલોતે) ગયા વર્ષનું આ વર્ષનું બજેટ વાંચ્યું. ઠીક છે, ભૂલ તો કોઈનાથી પણ થઈ શકે છે. ભગવાન ભલું કરે, પરંતુ કોઈની હાલત ક્યારેય આવી ન થવી જોઈએ.ગહેલોતે ગુરુવારે બજેટ ભાષણમાં જૂના બજેટની કેટલીક લાઇન વાંચી નાખી હતી. સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ વિશે સામાન્ય ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા ને વચ્ચે તેમણે ગેહલોતની મજાક ઉડાવી હતી.


'કોંગ્રેસે તો વાત જ ના કરવી જોઈએ'


નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે બે વખત એક્સાઈઝ ડ્યુટી વધારી, પરંતુ કોંગ્રેસે હિમાચલ પ્રદેશની સરકારમાં ચૂંટણી જીતતાની સાથે જ ડીઝલ પર વેટ વધારી દીધો. જેથી કોંગ્રેસે તો ભ્રષ્ટાચારની વાત જ ના કરવી જોઈએ.


શું છે મામલો?


રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારે (10 ફેબ્રુઆરી) જૂના બજેટની કેટલીક લાઇન વાંચી હતી. તેમણે 'ઇન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના' અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ અંગે જાહેરાત કરી હતી. જેના પર ભાજપે કહ્યું હતું કે, આ બંને જાહેરાત બજેટ 2022-23માં કરવામાં આવી હતી.


અશોક ગેહલોતે શું કહ્યું?


બજેટ લીક થયાના ભાજપના દાવા પર અશોક ગેહલોતે કહ્યું હતું કે, એવું કંઈ નથી. ગયા વર્ષના બજેટની લાઈન વાંચવા બદલ મેં માફી માંગી છે. આ કારણોસર હવે તેને આગળ વધારવાનો કોઈ ફાયદો નથી. રાજસ્થાનનો વિકાસ ભાજપથી સહન થઈ રહ્યો નથી. 


જાહેર છે કે, આ વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ અત્યારથી જ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે.  તેમાં હવે મુખ્યમંત્રી ગેહલોતે કરેલી આ ભુલને લઈને ભાજપે કોંગ્રેસ પર ભારે કટાક્ષ કર્યા છે.