Rajnath Singh Dong Jun Meeting: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના સભ્ય દેશોના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા માટે ચીનના કિંગદાઓ શહેર પહોંચ્યા હતા. ત્યાં તેમણે ચીનના સંરક્ષણ પ્રધાન
એડમિરલ ડોન જૂન સાથે મુલાકાત કરી હતી, અને આ મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણય પર સંમતિ સધાઈ હતી. રાજનાથ સિંહે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી હતી કે, લગભગ
છ વર્ષ ના લાંબા અંતરાલ પછી કૈલાસ માનસરોવર યાત્રા ફરીથી શરૂ થશે. તેમણે ઉમેર્યું કે આ અંગે ભારત અને ચીન વચ્ચે સકારાત્મક વાતચીત થઈ છે.
રાજનાથ સિંહે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, "કિંગદાઓમાં SCO સંરક્ષણ પ્રધાનોની બેઠક દરમિયાન ચીનના સંરક્ષણ પ્રધાન એડમિરલ ડોન જુન સાથે વાત કરી. અમે દ્વિપક્ષીય સંબંધો સંબંધિત મુદ્દાઓ પર રચનાત્મક અને દૂરંદેશી વિચારોનું આદાન-પ્રદાન કર્યું. લગભગ છ વર્ષના અંતરાલ પછી કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થવા પર ખુશી વ્યક્ત કરી."
રશિયા અને બેલારુસના સંરક્ષણ પ્રધાનો સાથે પણ મુલાકાત
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચીન ઉપરાંત રશિયા અને બેલારુસના તેમના સમકક્ષો સાથે પણ મુલાકાત કરી હતી. આ દ્વિપક્ષીય બેઠકોમાં, ક્ષેત્રમાં પડકારો અને સુરક્ષા જોખમો તેમજ સંરક્ષણ સહયોગ પર ચર્ચા કરવામાં આવી. રાજનાથ સિંહે X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, "કિંગદાઓમાં બેલારુસના સંરક્ષણ પ્રધાન લેફ્ટનન્ટ જનરલ વિક્ટર ખ્રેનિન સાથે સારી વાતચીત થઈ." અગાઉ, રાજનાથ સિંહે રશિયન સંરક્ષણ પ્રધાન
આન્દ્રે બેલોસોવને પણ મળ્યા હતા અને સંરક્ષણ ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે લાંબા ગાળાના અને વ્યાપક સહયોગ પર ચર્ચા કરી હતી.
ભારતનો સંરક્ષણ ક્ષેત્રમાં રશિયા સાથે લાંબા ગાળાનો અને વ્યાપક સહયોગ છે, જે બંને દેશોના સંરક્ષણ પ્રધાનોની અધ્યક્ષતામાં IRIGC-M&MTC મિકેનિઝમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.