AIADMK BJP alliance: ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)એ રાજ્યસભામાં નામાંકિત સભ્યો વિના જ બહુમતી મેળવી લીધી છે. તમિલનાડુમાં ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK) NDAમાં સામેલ થવાના કારણે આ મોટો ફેરફાર થયો છે. BJP અને AIADMKના આ ગઠબંધને રાજ્યસભાના સમગ્ર ગણિતને બદલી નાખ્યું છે, જેનાથી વિપક્ષને મોટું નુકસાન થયું છે.
AIADMKના ચાર સાંસદોના સમર્થનથી NDAની તાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે વિપક્ષની સ્થિતિ વધુ નબળી પડી છે. મહત્વની વાત એ છે કે એક સમયે જ્યારે ભાજપ સરકારે વકફ સંશોધન બિલ રજૂ કર્યું હતું, ત્યારે AIADMKએ આ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. તેમ છતાં, હવે આ બંને પક્ષો સાથે આવી ગયા છે.
હાલમાં રાજ્યસભામાં કુલ 236 સભ્યો છે, જ્યારે 9 બેઠકો ખાલી છે. NDA પાસે રાજ્યસભામાં પહેલાથી જ 119 સભ્યો હતા, જેમાં હરિયાણાના અપક્ષ સાંસદ કાર્તિકેય શર્માનું સમર્થન પણ સામેલ છે, જેમણે ભાજપના સમર્થનથી ચૂંટણી જીતી હતી.
હવે AIADMKના ચાર સાંસદોના જોડાવાથી ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનની સંખ્યા વધીને 123 થઈ ગઈ છે. આ સ્થિતિમાં, જ્યારે ગૃહ તેની સંપૂર્ણ સભ્ય સંખ્યા એટલે કે 245 સુધી પહોંચે ત્યારે પણ NDA પાસે સરળતાથી બહુમતી રહેશે. આ ઉપરાંત, NDAને 6 નામાંકિત સભ્યોનું સમર્થન પણ પ્રાપ્ત છે. આ તમામ 6 નામાંકિત સભ્યો ભાજપ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે અને સામાન્ય રીતે તેઓ પક્ષની તરફેણમાં જ મત આપે છે.
AIADMKના સાંસદોના સમાવેશ સાથે, NDAની અસરકારક સદસ્યતા વધીને 129 (નામાંકિત સભ્યો સહિત) થઈ જશે. એટલું જ નહીં, સરકાર જ્યારે ખાલી પડેલી નવ બેઠકો ભરશે, ત્યારે તેની સંખ્યા 134 કે તેથી વધુ સુધી પહોંચી શકે છે. રાજ્યસભામાં ખાલી પડેલી નવ બેઠકોમાંથી ચાર કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત થનારા નામાંકિત સભ્યો માટે હશે, ચાર બેઠકો જમ્મુ અને કાશ્મીરમાંથી હશે અને એક બેઠક આંધ્ર પ્રદેશમાંથી હશે, જ્યાં NDAના સહયોગી પક્ષ તેલુગુ દેશમ પાર્ટી (TDP) સત્તામાં છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં ભાજપના પોતાના 98 સભ્યો છે, જેમાં બે નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે. NDAના અન્ય સહયોગી પક્ષોમાં જનતા દળ (યુનાઈટેડ)ના 5, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના 3, તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના 2 અને શિવસેના, આસામ ગણ પરિષદ (AGP), પટ્ટાલિ મક્કલ કચ્ચી (PMK), રાષ્ટ્રીય લોકદળ (RLD), રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP), તમિલ મનીલા કોંગ્રેસ (મૂપનાર), નેશનલ પીપલ્સ પાર્ટી (NPP), જનતા દળ (સેક્યુલર) [JD(S)], રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે), યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (UPPL) અને મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ના એક-એક સભ્યોનો સમાવેશ થાય છે. AIADMKના જોડાણથી હવે NDA રાજ્યસભામાં વધુ મજબૂત બન્યું છે, જ્યારે વિપક્ષ માટે કાયદાકીય પ્રક્રિયાઓમાં પડકારો વધી શકે છે.