Ram Mandir Inauguration: અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. આ કાર્યક્રમમાં કોઈ પણ મુખ્યમંત્રી કે રાજ્યપાલને આમંત્રિત કરવામાં આવશે નહીં. યજમાન રાજ્ય હોવાના કારણે માત્ર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને રાજ્યપાલ જ હાજર રહેશે. આ કાર્યક્રમમાં પીએમ મોદી મુખ્ય અતિથિ હશે.


આ કાર્યક્રમમાં દેશભરમાંથી 4000 સંતો અને 2500 જેટલા મહાનુભાવોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સતત મંદિર નિર્માણ અને કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. ગત ગુરુવારે જ મુખ્યમંત્રીએ અયોધ્યાની મુલાકાત લીધી હતી અને રામ મંદિરના નિર્માણની પ્રગતિની સમીક્ષા કરી હતી.


રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કુલ ત્રણ હજાર VVIPને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે દેશભરના રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓને આમંત્રિત કરવામાં આવશે નહીં. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ પહોંચે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ સાથે સંબંધિત પ્રોટોકોલનું પાલન કરવું શક્ય બને નહી ત્યારે સુરક્ષાના કારણોસર નિર્ણય કરાયો હતો કે આ કાર્યક્રમમાં દેશભરના રાજ્યના મુખ્યમંત્રીઓ અને રાજ્યપાલને આમંત્રણ આપવામાં આવશે નહીં. યજમાન રાજ્યના કારણે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં માત્ર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ જ ભાગ લેશે.                        


રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે સૌથી શુભ સમય 84 સેકન્ડનો રહેશે. આ સમય 22 જાન્યુઆરી 12:29 મિનિટ 8 સેકન્ડથી 12:30 મિનિટ 32 સેકન્ડનો રહેશે. આ સમયે આકાશમાં છ ગ્રહો અનુકૂળ સ્થિતિમાં રહેશે. કાશીના જ્યોતિષિ પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે આ મુહૂર્તને સૌથી સચોટ માનીને પસંદ કર્યું છે. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા માટે કુલ સાત હજાર લોકોને આમંત્રણ મોકલવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથ, RSS પ્રમુખ મોહન ભાગવત સહિત ત્રણ હજાર VVIP હાજર રહેશે. ઉપરાંત ક્રિકેટર સચિન તેંડુલકર, વિરાટ કોહલી, અભિનેતા અમિતાભ બચ્ચન , અક્ષય કુમાર, કંગના રણૌતનું નામ પણ છે. તો ચાર હજારથી વધુ સાધુ-સંતો આમંત્રિત કરાયા છે.