ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના એક સાથે સ્ટેજ શેર કરવા પર કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે બંને મરાઠીના મુદ્દા પર સાથે આવ્યા છે, આ સારી વાત છે. અમને પણ મરાઠી પર ગર્વ છે. એ પણ સાચું છે કે દરેકને મરાઠી બોલતા આવડવું જોઈએ.

મહાવિકાસ આઘાડીમાં ભાગલા પડશે - અઠાવલે 

રામદાસ અઠાવલેએ દાવો કર્યો હતો કે બંને ભાઈઓના સાથે આવવાથી અમારી મહાયુતિ (એનડીએ)ને વધુ ફાયદો થશે. તેમણે દાવો કર્યો હતો કે મહાવિકાસ આઘાડી (MVA)માં ભાગલા પડશે. કોંગ્રેસ અને એનસીપી (SP) અલગ રહેશે. ઉદ્ધવ ઠાકરેએ ત્યાંથી બહાર આવવું પડશે. કારણ કે રાજ ઠાકરેનું કહેવું  છે કે જો આપણે બંનેએ સાથે ચાલવું હોય તો બીજા કોઈની જરૂર નથી.

'જોઈએ કે તેઓ કેટલો સમય સાથે રહે છે'

સમાચાર એજન્સી IANS સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રીએ આગળ કહ્યું, "બંને એક સાથે આવ્યા છે. જોઈએ તેઓ કેટલા સમય સુધી સાથે રહે છે. જે મરાઠી ભાષાના મુદ્દા પર તેમણે રેલી રાખી હતી તેની હવા કાઢવાનું કામ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કર્યું છે.  રેલી પહેલા જ દેવેન્દ્ર ફડણવીસે શાળાઓમાં હિન્દી શીખવવાનો સરકારી આદેશ કર્યો હતો તેને રદ કર્યો છે."

'ઉદ્ધવ ઠાકરે પાસે હવે શિવસેના નથી રહી'

રામદાસ આઠવલેએ એમ પણ કહ્યું, "વિજય રેલીનું આયોજન તો અમારે કરવું જોઈતું હતું. તેમની વિજય રેલીનો કોઈ અર્થ નથી. તેમને લાગે છે કે આ અમારી રેલીને કારણે કરવામાં આવ્યું છે પરંતુ આવું નથી. અમારી સરકારે બધા મરાઠી લોકોની લાગણીઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. જો બંને ભાઈઓ ભેગા થાય તો કોઈ ફરક પડશે નહીં. ઉદ્ધવ ઠાકરે પાસે હવે શિવસેના નથી. સાચી શિવસેના એકનાથ શિંદેની છે. તેથી જ ઘણા લોકો એકનાથ શિંદે સાથે છે. 40 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે આવ્યા. 

આ સાથે તેમણે કહ્યું, "રાજ ઠાકરે ખૂબ મોટી સભાઓ કરે છે. તે ખૂબ જ સારી વાત છે. તેઓ ખૂબ જ સારા વક્તા છે. રાજ ઠાકરે એક મજબૂત નેતા છે. પરંતુ તેમને મત મળતા નથી. હાલમાં તેમની પાસે એક પણ ધારાસભ્ય નથી. એક સમયે 13 ધારાસભ્યો ચૂંટાયા હતા. બંનેના એકસાથે આવવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ ફરક પડશે નહીં. જો કોઈ ફરક પડશે તો તે મહાવિકાસ આઘાડી પર પડશે."