Mumbai Train Firing: મહારાષ્ટ્રના પાલઘરમાં જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં રેપિડ ફાયરિંગની મોટી ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 4 લોકોને ગોળી વાગી છે. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. મૃતકોમાં ત્રણ લોકોમાં એક ASI અને બે મુસાફરોનો સમાવેશ થાય છે.


આ ઘટના આજે (31 જુલાઈ) સવારે લગભગ 5 વાગ્યે બની હતી. પાલઘર અને મુંબઈ વચ્ચે દહિસરમાં ફાયરિંગ થયું હતું. ગોળી ચલાવનાર પોલીસ કોન્સ્ટેબલ મીરા રોડ પાસે ઝડપાઈ ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કોન્સ્ટેબલ માનસિક તણાવથી પીડાતો હતો.


ફાયરિંગ કર્યા બાદ કોન્સ્ટેબલે ટ્રેનમાંથી છલાંગ લગાવી હતી


નિવેદનમાં પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું હતું કે, "પાલઘર સ્ટેશન ક્રોસ કર્યા પછી એક આરપીએફ કોન્સ્ટેબલે ચાલતી જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર ગોળીબાર કર્યો. તેણે એક આરપીએફ એએસઆઈ અને અન્ય ત્રણ મુસાફરોને ગોળી મારી દીધી. તે પછી તે દહિસર સ્ટેશન નજીક ટ્રેનમાંથી બહાર કૂદી ગયો.  આરોપી કોન્સ્ટેબલને હથિયાર સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.”


મળતી માહિતી મુજબ જયપુર-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન નંબર 12956ના B5 કોચમાં સવારે 5.23 કલાકે ફાયરિંગ થયું હતું. આ ટ્રેન જયપુર જંક્શનથી 02:00 વાગ્યે ઉપડે છે અને 06:55 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચે છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર ASIનું નામ તિલક રામ છે.






ટ્રેનમાં બે જવાનો વચ્ચે ઝઘડો થયો હતો


જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાં બે જવાનો ચેતન અને તિલક રામ વચ્ચે ઝઘડો થયો હતો. ચેતને તેના સિનિયર સાથે ઝઘડો કર્યા બાદ ફાયરિંગ કર્યું હતું. ગોળીબારના કારણે ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી અને કેટલાક મુસાફરો ટ્રેનમાંથી કૂદવાને કારણે ઘાયલ થયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચેતન પોતાની ટ્રાન્સફરને કારણે ગુસ્સે હતો. આ સાથે તે પારિવારિક તણાવમાં પણ હતો. બોરીવલીમાં મૃતકોના મૃતદેહોને નીચે ઉતારવામાં આવ્યા છે અને ટ્રેનને આગળ મોકલવામાં આવી છે.