નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તેની વચ્ચે સરકારે સંકેત આપ્યા છે કે, સંક્રમણના વધવાના દરમાં છેલ્લા 15 દિવસમાં થોડોક ઘટાડો આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે 15 માર્ચથી 31 માર્ચ સુધી દેશમાં સંક્રમણમાં 2.1ના દરથી સરેરાશ વધારો થયો, જ્યારે 1 એપ્રિલથી અત્યાર સુધીમાં 1.2 ટકાનો દર નોંધાયો છે.

લવ અગ્રવાલના જણાવ્યા અનુસાર, કોરોના સંક્રમણે કેસ વધવામાં 40 ટકાનો ઘટાડો આવ્યો છે. કોરોના પોઝિટીવ 13.6 ટકા દર્દીઓ ઠીક થયા છે. દેશમાં કોરોનાના 80 ટકા દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યા છે. 20 ટકા કેસમાં દર્દીઓના મોત થયા છે.



વધુ એક રાહતના આંકડા જણાવતા અગ્રવાલે કહ્યું કે એપ્રિલની શરૂઆતમાં જ્યારે સંક્રમણના કેસ માત્ર 3 દિવસમાં જ ડબલ થઈ રહ્યાં હતા, જ્યારે છેલ્લા એક અઠવાડિયાથી તેની ગતિ 6.2 દિવસની થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે આ મામલે દેશના 19 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે જે રાષ્ટ્રીય એવરેજથી બહેતર છે. આ રાજ્યોમાં કેરળ, ઉત્તરાખંડ, હરિયાણા, લદાખ, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, પુડ્ડુચેરી, બિહાર, ઓડિશા, તેલંગણા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, પંજાબ, જમ્મુ કાશ્મીર, અસમ અને ત્રિપુરા સામેલ છે.



તેમણે કહ્યું કે, દેશમાં કોરોનાના 80 ટકા દર્દીઓ સ્વસ્થ થઇ રહ્યા છે. દેશ માટે એક પણ મોત ચિંતાનો વિષય છે. આપણે તમામ મોરચા પર કોરોના સામે લડવાનું છે. આપણા પ્રયાસ ઝડપથી કામ કરી રહ્યા છે. દેશમાં એન્ટી બોડીઝ પર કામ થઇ રહ્યુ છે. પ્લાઝ્મા ટેકનિકથી પણ સારવાર પર કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યોને પાંચ લાખ ટેસ્ટ કિટ આપવામાં આવી રહી છે. મે સુધીમાં 10 લાખ ટેસ્ટ કિટ તૈયાર કરવાનો પ્રયાસ છે.