Asaduddin Owaisi reaction on Red Fort blast: દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા ભયાનક કાર વિસ્ફોટ બાદ AIMIMના વડા અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ઘટનાની નિંદા કરી છે અને જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ઓવૈસીએ કહ્યું કે, "આ ભયાનક કાર બ્લાસ્ટમાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો માટે હું ધૈર્ય માટે પ્રાર્થના કરું છું." તેમણે આશા વ્યક્ત કરી કે આ ઘટનાની સંપૂર્ણ અને ઝડપી તપાસ કરવામાં આવશે અને આ જઘન્ય કૃત્યના ગુનેગારોને કાયદા હેઠળ શક્ય તેટલી કડક સજા મળવી જોઈએ. વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત અને 19 લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ થઈ છે.
અસદુદ્દીન ઓવૈસીએ વ્યક્ત કરી ઊંડી સંવેદના
દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની બહાર થયેલા શક્તિશાળી કાર વિસ્ફોટ બાદ દેશભરમાં રાજકીય પ્રતિક્રિયાઓ આવી રહી છે. AIMIMના વડા અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
ઓવૈસીએ જણાવ્યું કે, "લાલ કિલ્લાની બહાર થયેલા કાર બ્લાસ્ટના સમાચારથી મને ખૂબ જ દુઃખ થયું છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા અને પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો માટે ધીરજ માટે પ્રાર્થના કરું છું." આ નિવેદન દ્વારા તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના અને આશ્વાસન વ્યક્ત કર્યું હતું.
ઝડપી તપાસ અને કડક સજાની માંગ
શોક વ્યક્ત કરવાની સાથે જ ઓવૈસીએ આ ઘટનાની સંપૂર્ણ અને ઝડપી તપાસ કરવાની માંગ કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "આ જઘન્ય કૃત્યના ગુનેગારોને કાયદા હેઠળ શક્ય તેટલી કડક સજા મળવી જોઈએ." તેમનું આ વલણ દર્શાવે છે કે તેઓ આતંકવાદી ઘટનાઓમાં સંડોવાયેલા તત્ત્વો સામે સખ્તાઈ લાવવાના પક્ષમાં છે.
દિલ્હી પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે તેમને સાંજે 6:52 વાગ્યે કાર બોમ્બ વિસ્ફોટની માહિતી મળી હતી અને વિસ્ફોટની દરેક ખૂણાથી તપાસ કરવામાં આવી રહી છે.
જાનહાનિ અને સુરક્ષાની સ્થિતિ
આ ભયાનક કાર બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયાની અને 30 થી વધુ લોકો ઘાયલ થયાની પુષ્ટિ થઈ છે. તમામ ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક લાલ કિલ્લા પાસે આવેલી લોકનાયક જય પ્રકાશ (LNJP) હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના અહેવાલ મુજબ, લાવવામાં આવેલા 10 લોકોના મૃત્યુ તો હોસ્પિટલ પહોંચતા પહેલા જ થઈ ગયા હતા. હોસ્પિટલે જણાવ્યું છે કે ત્રણ લોકોની હાલત ગંભીર છે જ્યારે એકની હાલત હવે સ્થિર છે.
લાલ કિલ્લાની બહાર મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા આ વિસ્ફોટ બાદ, સમગ્ર દિલ્હીમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વધુમાં, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત અનેક પડોશી રાજ્યોમાં પણ સુરક્ષાના ભાગરૂપે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.