Supreme Court: સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ગેરકાયદે ધર્માંતરણ પર આકરી ટીપ્પણી કરી હતી. પૈસા, ભોજન અથવા દવાની લાલચ આપી ધર્મ પરિવર્તન કરનારાઓને ખોટા ગણાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો કોઈ ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવા માંગતુ હોય તો તેણે એ કરવું જ જોઈએ. પરંતુ તેનો હેતુ ધર્મ પરિવર્તન કરવાનો ના હોઈ શકે.


સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહની આગેવાની હેઠળની બે જજની બેંચે દબાણ, છેતરપિંડી અથવા લાલચ દ્વારા ધર્મ પરિવર્તન સામે કડક કાયદો બનાવવાની માંગ પર સુનાવણી કરી રહી છે. ગત સુનાવણીમાં કોર્ટે આ પ્રકારે ધર્મ પરિવર્તન કરાવવાને દેશની સુરક્ષા માટે ખતરનાક ગણાવ્યું હતું. કેન્દ્રએ પણ આ સાથે સહમતી દાખવી હતી અને કહ્યું હતું કે, 9 રાજ્યોએ આ પ્રકારની પ્રવૃત્તિ વિરુદ્ધ કાયદા બનાવ્યો છે. કેન્દ્ર પણ જરૂરી પગલાં ભરશે.


ધર્મ પરિવર્તનની બાબતો માટે બને સમિતિ 


સોલિસિટર જનરલે સરકારનો પક્ષ રજુ કરતા કહ્યું હતું કે, ધર્મ પરિવર્તનના મામલાની તપાસ કરવા માટે એક સમિતિ હોવી જોઈએ, જે નક્કી કરશે કે શું ખરેખર હૃદય પરિવર્તન થયું છે કે પછી લાલચ અને દબાણ હેઠળ ધર્મ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને અન્ય રાજ્યોની માહિતી એકત્ર કર્યા બાદ સોગંદનામું રજુ કરવા આદેશ કર્યો છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ માટે થોડો વધુ સમય માંગ્યો હતો. કોર્ટે આ મામલે સુનાવણી 12 ડિસેમ્બર સુધી ટાળી દીધી હતી. 


રાજ્ય પોતાની વાત કહી શકે છે


કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, તે તમામ રાજ્યોને નોટિસ જારી કરીને જવાબ નહીં માંગે, કારણ કે તેનાથી આ બાબતને બિનજરૂરી રીતે લંબાવશે. જો કોઈ રાજ્ય પોતાની વાત રજૂ કરવા ઈચ્છે તો તે કરી શકે છે તેમ સુપ્રીમે કહ્યું હતું.


સુનાવણી દરમિયાન ખ્રિસ્તી સંગઠનો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને રાજુ રામચંદ્રને જણાવ્યું હતું કે, કોર્ટ પહેલા જ અરજદાર અશ્વિની ઉપાધ્યાયની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી ચૂકી છે. હવે આ મામલે સુનાવણી ના થવી જોઈએ.


સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ક્રિશ્ચિયન બોડીના વકીલની દલીલ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, આ સુનાવણીમાં પાદરીને શું સમસ્યા હોઈ શકે? જો તે લોભ કે કપટથી ધર્મ પરિવર્તન નથી કરાવતા તો તેમને પરેશાન થવાની કોઈ જ જરૂર નથી. કોર્ટે આ મામલે કહ્યું હતું કે, હવે એ દલીલ પર વિચાર કરાશે નહીં કે અરજી સાંભળવા યોગ્ય નથી. લોકો કેસ પર તેમના જવાબ દાખલ કરે.