વિશ્વભરમાં એવી ઘણી પ્રથાઓ છે જે કુપ્રથા તો લાગે જ છે સાથે જ તેમના વિશે સાંભળતાં જ વ્યક્તિ વિચારવા મજબૂર થઈ જાય છે. આવી જ એક પ્રથા મધ્યપ્રદેશના શિવપુરીમાં આજે પણ ચાલી રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં મહિલાઓ માટે પુરુષો બોલી લગાવી શકે છે, તેમને નક્કી કરેલા સમય માટે ભાડે લઈ શકે છે અને તેના માટે તેઓ નિયમસર કરારનામું પણ કરે છે. આ માટે કુંવારી છોકરીઓથી લઈને પરણેલી મહિલાઓ સુધી ભાડે લઈ શકાય છે. ખરેખર આ બધું એક પ્રથાના નામે થાય છે, જેનું નામ છે 'ધડીચા' પ્રથા'.


'ધડીચા' પ્રથા શું છે?


મધ્યપ્રદેશના શિવપુરીમાં ચાલતી આ પ્રથામાં બીજાની વહુ દીકરીઓ ભાડે લઈ શકાય છે. આ માટે દર વર્ષે એક નક્કી સમય હોય છે જ્યારે બજાર લગાવવામાં આવે છે. આ બજારમાં સ્ત્રીઓ અને છોકરીઓને ખરીદવા માટે દૂર દૂરથી પુરુષો આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ બજારમાં કુંવારી છોકરીઓથી લઈને બીજાની પત્નીઓ સુધી ભાડે આપવામાં આવે છે. આ બજારમાં પુરુષો મહિલાનું ચાલ ચલન જોઈને તેની કિંમત લગાવે છે. જ્યારે કોઈ પુરુષને કોઈ છોકરી કે મહિલા પસંદ આવી જાય છે ત્યારે તે 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીના સ્ટેમ્પ પેપર પર કરાર કરીને એક નિશ્ચિત સમય માટે મહિલાને લઈ જાય છે. આ કરારનામા પર બંને પક્ષોની શરતો પણ લખેલી હોય છે.


15 હજારથી શરૂ થાય છે કિંમત


આ બજારમાં મહિલાઓની કિંમત 15 હજાર રૂપિયાથી શરૂ થાય છે જે 4 લાખ રૂપિયા સુધી પણ હોઈ શકે છે. આમ, પુરુષો મહિલાની કિંમત લગાવીને એક વર્ષ કે તેનાથી ઓછા સમય માટે મહિલાને પોતાના ઘરે લઈ જાય છે.


ફરીથી કરારનામું બનાવી શકાય છે?


જો કોઈ પુરુષને મહિલા પસંદ આવી ગઈ હોય અને તેની સાથે વધુ સમય વિતાવવો હોય તો તેણે બજારમાં જઈને ફરીથી કરારનામું બનાવવું પડે છે અને પછી રકમ ચૂકવવી પડે છે, જેના પછી ફરી કેટલાક સમય માટે તે તે જ મહિલાને ભાડે લઈ શકે છે.


પુરુષો મહિલાઓને કેમ ભાડે લઈ જાય છે?


પુરુષો પોતાની અલગ અલગ જરૂરિયાતો માટે મહિલાઓને ભાડે લઈ જાય છે. જેમ કે કોઈને માતાની સેવા કરાવવી હોય છે, તો કોઈ લગ્નનું નાટક કરવા માટે ભાડે લઈ જાય છે. આ ઉપરાંત કોઈનાં લગ્ન થયાં નથી તો થોડા સમય માટે ભાડે લીધેલી મહિલા સાથે વિતાવી શકે છે.


શું મહિલા કરારનામું તોડી શકે છે?


હવે મોટો પ્રશ્ન એ છે કે શું કોઈ મહિલા કરારનામું તોડી શકે છે? તો જણાવી દઈએ કે આ પ્રકારના કિસ્સામાં પત્નીને કરારનામું તોડવાનો પૂરો અધિકાર છે. જો તે સંબંધમાં ખુશ નથી તો પોતાના કરારને વચ્ચેથી તોડી શકે છે. આવું કરવા માટે તેણે સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપવું પડે છે. આ પછી તેણે નક્કી કરેલી રકમ ખરીદનારને પરત કરવી પડે છે. ઘણી વખત મહિલાઓ બીજા પુરુષ પાસેથી વધુ રકમ મળવા પર પણ આવું કરે છે.