Republic Day 2022: ભારતના 73મા પ્રજાસત્તાક દિવસના અવસર પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક વિદેશી હસ્તીઓને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ભારત સાથેના જોડાણ માટે આ મોટી હસ્તીઓનો આભાર માન્યો છે અને ભવિષ્યમાં પણ આવા સૌહાર્દપૂર્ણ સંબંધોની આશા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ જેમને પત્ર લખ્યો છે તે સેલિબ્રિટીઓમાં પીઢ ક્રિકેટર જોન્ટી રોડ્સ પણ સામેલ છે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બેટ્સમેન જોન્ટી રોડ્સે પણ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.


રોડ્સે ટ્વિટર પર લખ્યું, "આ શબ્દો માટે @narendramodi જી તમારો આભાર. હું ખરેખર ભારતની દરેક યાત્રામાં એક વ્યક્તિ તરીકે વધુ સારો બન્યો છું. મારું આખું કુટુંબ સમગ્ર ભારત સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરે છે. તેના મહત્વને માન આપીએ છીએ. એક બંધારણ જે ભારતીય લોકોના અધિકારોની રક્ષા કરે છે. #જયહિંદ."




પીએમ મોદીએ પત્રમાં શું લખ્યું હતું


પીએમ મોદીએ જોન્ટીને એક પત્ર લખ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે, "પ્રિય જોન્ટી રોડ્સ, ભારત તરફથી નમસ્તે. દર વર્ષે 26મી જાન્યુઆરીએ આપણે ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ. આ તે દિવસ છે જ્યારે ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું. આપણું આદરણીય બંધારણ વ્યાપક ચર્ચા વિચારણા બાદ ઘડાયું હતું. હું તમને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ વર્ષની 26 જાન્યુઆરી વધુ ખાસ છે કારણ કે તે એવા સમયે બની રહી છે જ્યારે ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ પ્રસંગે મેં તમને અને ભારતના બીજા કેટલાક મિત્રોને પત્ર લખવાનું નક્કી કર્યું. ભારત પ્રત્યેના તમારા સ્નેહ બદલ કૃતજ્ઞતાની ભાવના સાથે આશા છે કે તમે અમારા દેશ તેમજ અમારા લોકો સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશો."