ISRO scientist soil test: હવે ખેડૂતોને તેમના ખેતરની માટીનું પરીક્ષણ કરાવવા માટે લાંબો સમય રાહ જોવાની જરૂર નહીં રહે. ઇસરોના એક નિવૃત્ત વૈજ્ઞાનિકે એક એવું અદભુત ડિવાઇસ બનાવ્યું છે જે માત્ર 10 સેકન્ડમાં જ સોઇલ ટેસ્ટિંગ કરી શકે છે. આ ડિવાઇસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સ્પેક્ટ્રોસ્કોપી જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને જમીન ચકાસણી તેમજ પ્રાકૃતિક ખેતીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે.
વૈજ્ઞાનિક ડૉ. મધુકાંત પટેલે આ AI સોઇલ એનાલાઇઝર ડિવાઇસ વિકસાવ્યું છે. તેઓ જણાવે છે કે આ ઉપકરણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા, વિજ્ઞાન પ્રત્યેનો તેમનો લગાવ અને એક ખેડૂતપુત્ર તરીકેનું ઋણ અદા કરવાની ભાવનાનું પરિણામ છે. વર્ષ 2011માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીએ ડૉ. પટેલને કહ્યું હતું કે, "વૈજ્ઞાનિક, મારા ખેડૂત માટે કંઇક કરો.." આ વાત ડૉ. પટેલના મન પર ઊંડી અસર કરી ગઈ અને ત્યારથી જ તેમની કૃષિ વિષયક શોધ અને સંશોધનની યાત્રા શરૂ થઈ.
એક દાયકાથી વધુના સમયગાળામાં ડૉ. પટેલે ખેતી અને ખેડૂતો માટે ઉપયોગી અનેક સંશોધનો કર્યા અને આખરે તેમને આ સોઇલ હેલ્થ ટેસ્ટિંગ ડિવાઇસ બનાવવામાં સફળતા મળી. જન્મથી ખેડૂત અને વ્યવસાયે વૈજ્ઞાનિક એવા ડૉ. પટેલ દ્વારા વિકસિત આ ડિવાઇસ સમય અને સંસાધનોની બચત કરે છે અને સામાન્ય ખેડૂત પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. આ ડિવાઇસ સ્પેક્ટ્રોસ્કોપીના સિદ્ધાંત પર કાર્ય કરે છે.
સામાન્ય રીતે જમીનની ફળદ્રુપતા ચકાસવા માટે સોઇલ હેલ્થ ટેસ્ટિંગ કરવામાં આવે છે. સરકાર દ્વારા ખેતરની માટીનું પરીક્ષણ કરીને ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવે છે. રાજ્યમાં આવેલી સરકારી અને સહકારી સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં માટીના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવે છે. આ લેબમાં નાઇટ્રોજન (N), ફોસ્ફરસ (P), પોટેશિયમ (K) જેવા પોષક તત્ત્વો તેમજ PH વેલ્યુ અને ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી (EC) જેવા માટીના ગુણધર્મો ચકાસવામાં આવે છે.
સરકારી લેબમાં આ પરીક્ષણ ‘વેટ કેમેસ્ટ્રી પદ્ધતિ’થી કરવામાં આવે છે, જેમાં માટીને દળવી, ગરમ કરવી અને તેના પર વિવિધ કેમિકલનો ઉપયોગ કરવો જેવી પ્રક્રિયાઓ સામેલ છે. આ સમગ્ર પ્રક્રિયામાં માટીના સેમ્પલનું પરિણામ આવતા બે દિવસથી વધુ સમય લાગી શકે છે. એટલું જ નહીં, ખેતરમાંથી લીધેલ માટીનું સેમ્પલ લેબમાં પહોંચે અને તેનો વારો આવે તેમાં પણ 10-12 દિવસ કે તેથી વધુ સમય લાગી શકે છે.
ડૉ. મધુકાંત પટેલે બનાવેલું ઉપકરણ ખેતરમાં જઈને ઉપયોગમાં લઈ શકાય છે, જેના કારણે માટીને લેબ સુધી લઈ જવાની જરૂર રહેતી નથી. આ ડિવાઇસ સ્પેક્ટ્રોસ્કોપીના સિદ્ધાંત પર કામ કરે છે, જેમાં કોઈ પદાર્થ પર પ્રકાશ ફેંકવામાં આવે છે અને પરાવર્તિત થયેલા પ્રકાશના વર્ણપટનો અભ્યાસ કરીને તેના ગુણધર્મો જાણી શકાય છે.
ડૉ. પટેલનું ઉપકરણ માટી પર અલ્ટ્રાવાયોલેટ, વિઝિબલ અને ઇન્ફ્રારેડ એમ ત્રણ પ્રકારના પ્રકાશ ફેંકીને માટીમાં રહેલા પોષક તત્ત્વોની હાજરી અને પ્રમાણ જાણી લે છે. તેમણે નેનો ટેકનોલોજીની મદદથી ધાતુના સળિયા પણ વિકસાવ્યા છે જે માટીના સંપર્કમાં આવીને તેના અન્ય ગુણધર્મો પણ માપી શકે છે.
સૌથી મહત્વની વાત એ છે કે આ ડિવાઇસ માટીમાં રહેલા જૈવિક દ્રવ્યો, હ્યુમસ અને કાર્બનિક તત્ત્વોને પણ માપી શકે છે, જે પ્રાકૃતિક ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે. પરંપરાગત સોઈલ ટેસ્ટિંગમાં આ તત્ત્વોની હાજરી પારખી શકાતી નથી. આ ઉપરાંત, આ ડિવાઇસ ફોટોસ્પેક્ટ્રો સિગ્નેચરને ઓળખીને માટીમાં રહેલા રાઈઝોબિયમ, એઝિટોબેક્ટર, નાઇટ્રોબેક્ટર જેવા બેક્ટેરિયા, ટ્રાઇકોડેમા જેવી ફૂગ, અળસિયા અને સેન્દ્રીય પોષક પદાર્થોની હાજરી પણ જાણી શકે છે. આમ, આ ડિવાઇસ પ્રાકૃતિક ખેતી માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે.
આ AI સોઇલ એનાલાઇઝર ડિવાઇસની કાર્યક્ષમતા ચકાસવા માટે રાજ્ય સરકારના ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબરેશનની મંજૂરી આપવામાં આવી છે. ICAR સહિતની રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન સંસ્થાઓ પણ હવે સ્પેક્ટ્રોસ્કોપીથી માટીના અભ્યાસને પ્રોત્સાહન આપી રહી છે. ડૉ. પટેલના જણાવ્યા અનુસાર, આ ડિવાઇસને જમીનમાં ભોંકતાની સાથે જ માત્ર 10-15 સેકન્ડમાં માટીનું ટેસ્ટિંગ કરી રિપોર્ટ આપે છે, જેનાથી ખેડૂતો સ્થળ પર જ વારંવાર અને ઝડપી ટેસ્ટિંગ કરી શકશે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ ડિવાઇસ એક લાખ સેમ્પલ ટેસ્ટ કરી શકે છે, ત્યારબાદ તેના પ્રોબ અને સેન્સર બદલવાની જરૂર પડે છે. પરંપરાગત લેબમાં સોઇલ ટેસ્ટિંગની ટેકનીક માત્ર અનુભવી ટેકનીશયનો જ કરી શકે છે, જ્યારે આ ડિવાઇસનો ઉપયોગ કોઈ પણ સામાન્ય ખેડૂત ટોર્ચ લાઇટની જેમ કરી શકે છે. ડૉ. પટેલ માને છે કે તેમનું AI સોઇલ એનાલાઇઝર માટીની ખૂબ નજીક જઈને રિપોર્ટ મેળવે છે, તેથી તે વધુ ચોક્કસ અને સચોટ પરિણામ આપે છે.
હાલમાં ડૉ. મધુકાંત પટેલના આ ડિવાઇસનું કેલિબરેશન ચાલી રહ્યું છે, જેના માટે તેમને રાજ્યની તમામ સોઈલ ટેસ્ટિંગ લેબ, જી.એસ.એફ.સી અને ઇફકોની લેબમાંથી માટીના નમૂના લેવાની મંજૂરી આપવામાં આવી છે. માટીના લેબ ટેસ્ટિંગના પરિણામોને આ ડિવાઇસમાં ફીડ કરીને તેના વર્તમાન AI આધારિત ટેસ્ટ રિઝલ્ટ સાથે સરખાવવામાં આવી રહ્યા છે. ડૉ. પટેલે જણાવ્યું કે આનાથી ડિવાઇસનું મશીન લર્નિંગ પણ થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં જ આ ડિવાઇસ 95% સુધી સચોટ પરિણામો આપતું થઈ જશે.
ડૉ. મધુકાંત પટેલ વિજ્ઞાનની સાધનામાં ઊંડો વિશ્વાસ ધરાવે છે. તેઓ સિગ્નલિંગ અને રિમોટ સેન્સિંગના નિષ્ણાત છે. ઇસરોમાં લાંબો સમય સેવા આપ્યા બાદ તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને હાલમાં તેઓ ખેતી, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં AI આધારિત સંશોધન કરી રહ્યા છે.
ડૉ. પટેલ દૃઢપણે માને છે કે વડાપ્રધાનશ્રીના પ્રોત્સાહક શબ્દો તેમના આ ડિવાઇસના વિકાસ પાછળનું મુખ્ય પ્રેરકબળ રહ્યા છે. ગોંડલના વતની અને અમદાવાદના રહેવાસી ડૉ. મધુકાંત પટેલનું આ નવું ઉપકરણ ગુજરાત અને ભારતમાં સોઇલ હેલ્થ ટેસ્ટિંગને એક નવી દિશા આપશે તેવી આશા વિજ્ઞાન રસિકો રાખી રહ્યા છે.