RJD singer notice controversy: બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનની શરમજનક હાર બાદ રાષ્ટ્રીય જનતા દળ (RJD) હવે એક્શન મોડમાં આવી ગયું છે. પાર્ટીએ ચૂંટણી પ્રચાર દરમિયાન RJD અને તેના નેતાઓના નામે ગીતો બનાવનારા 32 સ્થાનિક ગાયકોને કારણદર્શક નોટિસ ફટકારી છે. પાર્ટીનો આરોપ છે કે આ ગાયકોએ પરવાનગી વિના ગીતો બનાવીને પાર્ટીની છબીને નુકસાન પહોંચાડ્યું છે. જો સંતોષકારક જવાબ નહીં મળે તો તેમની સામે માનહાનિનો દાવો માંડવાની ચીમકી પણ આપવામાં આવી છે. બીજી તરફ, ભાજપે આ કાર્યવાહીને RJD ની હતાશા ગણાવી છે.

Continues below advertisement

ગીતો બન્યા હારનું કારણ? RJD નો વિચિત્ર દાવો

ચૂંટણી પરિણામો બાદ RJD નેતાઓએ હારના કારણો શોધવાનું શરૂ કર્યું છે, જેમાં તેમનું ધ્યાન સોશિયલ મીડિયા અને ભોજપુરી ગીતો પર ગયું છે. RJD ના વરિષ્ઠ પ્રવક્તા ચિત્તરંજન ગગને પુષ્ટિ કરી છે કે પાર્ટીએ કુલ 32 ગાયકોને નોટિસ મોકલી છે. આ એવા કલાકારો છે જેમણે ચૂંટણી ટાણે RJD અને લાલુ-તેજસ્વીના વખાણ કરતા અથવા જાતિવાદી ગીતો ગાયા હતા. પાર્ટીનું માનવું છે કે આ ગીતોને કારણે મતદારોમાં પાર્ટીની નકારાત્મક છબી ઉભી થઈ અને તેને 'બદનામ' કરવાનું કાવતરું ઘડાયું હતું.

Continues below advertisement

માનહાનિના કેસની તૈયારી

પાર્ટીએ ગાયકોને પૂછ્યું છે કે, "તમારી સામે કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી જોઈએ?" ચિત્તરંજન ગગને ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે, ભવિષ્યમાં જો કોઈ પણ ગાયક, કલાકાર કે યુટ્યુબર પાર્ટીની લેખિત મંજૂરી વિના રાષ્ટ્રીય જનતા દળ કે તેના શીર્ષ નેતાઓના નામનો ઉપયોગ કરશે, તો તેને ચલાવી લેવામાં આવશે નહીં. પાર્ટી આવા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેશે અને જરૂર પડ્યે માનહાનિનો કેસ (Defamation Case) પણ દાખલ કરશે.

PM મોદીએ પણ ગીતોનો ઉલ્લેખ કર્યો હતો

નોંધનીય છે કે 2025 ની ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાની રેલીઓમાં આ પ્રકારના ગીતોનો ઉલ્લેખ કરીને RJD પર પ્રહારો કર્યા હતા. તેમણે આડકતરી રીતે કહ્યું હતું કે આવા ગીતો બિહારમાં 'જંગલરાજ'ની યાદ અપાવે છે. ચૂંટણી પરિણામોમાં NDA ને 202 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મળી, જ્યારે તેજસ્વી યાદવના નેતૃત્વવાળું મહાગઠબંધન માત્ર 35 બેઠકોમાં સમેટાઈ ગયું. ખુદ RJD ને માત્ર 25 બેઠકો જ મળી હતી.

ભાજપનો કટાક્ષ: "પોતે ગવડાવ્યું ને હવે નોટિસ?"

RJD ના આ પગલાં પર ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે. ભાજપના પ્રવક્તા નીરજ કુમારે જણાવ્યું કે, "આ RJD ની હારની હતાશા બોલે છે. ચૂંટણી સમયે આજ ગાયકો પાસે RJD એ 'મારબ સિક્સર કે 6 ગોલી છાતી મેં' અને 'યાદવજી રંગદાર' જેવા ગીતો ગવડાવ્યા હતા. તેઓ ડર અને ભયનો માહોલ ઉભો કરીને વોટ મેળવવા માંગતા હતા, પણ જનતાએ તેમને જાકારો આપ્યો. હવે જ્યારે દાવ ઉલટો પડ્યો છે, ત્યારે બિચારા ગાયકોને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યા છે."