દેહરાદૂન: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રૉબર્ટ વાડ્રા અને ઉત્તરાખંડ પોલીસના ઘોડા શક્તિમાનને ઘાયલ કરવાના આરોપી બીજેપી ધારાસભ્ય ગણેશ જોશીને રવિવારે દેહરાદૂન એયરપોર્ટ પર ઘર્ષણ થયું હતું.


રૉબર્ટ વાડ્રાના નજીકના લોકો પ્રમાણે, તે પોતાના પુત્રને જન્મદિવસની શુભકામનાઓ આપવા માટે દેહરાદૂન ગયા હતા, જ્યારે ગણેશ જોશી કોઈ બીજેપી સાંસદને લેવા માટે પહેલાથી એયરપોર્ટ પર હાજર હતા. રૉબર્ડ વાડ્રાને જોઈને ગણેશ જોશી તેમને ફૂલ આપવા માટે પહોંચ્યા હતા. વાડ્રાના સુરક્ષાકર્મીએ જણાવ્યું કે, આ ગણેશ જોશી છે, જેમના પર શક્તિમાન ઘોડાને ઘાયલ કરવાનો આરોપ છે. આ સાંભળીને વાડ્રાએ ગણેશ જોશી પાસેથી ફૂલ લેવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું કે તે શક્તિમાનનો જીવ લેનાર પાસેથી ફૂલ
લઈ શકે તેમ નથી.

આ વાત પર ગણેશ જોશી ભડકી ગયા અને પોતાના સમર્થકોની સાથે શોર-શરાબ અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. જેના પછી સુરક્ષા દળોએ ગણેશ જોશી અને તેમના સમર્થકોને એયરપોર્ટ બહાર કર્યા હતા. ત્યારપછી વાડ્રા પોતાના પુત્રને મળવા માટે રવાના થયા હતા. રૉબર્ટ વાડ્રાના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મામલે તેમને કશું ખોટું કર્યું નથી. તમામ ઘટનાની એયરપોર્ટ પર સીસીટીવી ફૂટેજ હશે, તેમાં તમે જોઈ શકો છો. કહેવામાં આવી રહ્યું છે કે બીજેપી ધારાસભ્યએ આ બધુ મીડિયામાં ચમકવા માટે કર્યું હતું.