Rohini Acharya new statement: લાલુ યાદવ પરિવારનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. રોહિણી આચાર્યએ પરિવાર સાથેના સંબંધો તોડવાની જાહેરાત બાદ, રડતાં રડતાં મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેમની સાથે થયેલી ઘટનાઓ (ચપ્પલવાળી વાત) ખોટી નથી અને આ અંગે તેજસ્વી યાદવ, સંજય યાદવ અને રમીઝને સવાલ પૂછવા જોઈએ. તેમણે ભાવુક થઈને કહ્યું કે તેમને 'તું પરિણીત છે, ઘરે જા' એવું કહીને અપમાનિત કરાયા અને ભગવાન કોઈ દીકરીને આવી સ્થિતિમાં ન મૂકે તેવી પ્રાર્થના કરી.
"ચપ્પલવાળી વાત સત્ય છે, તેજસ્વીને પૂછો"
બિહારનું રાજકારણ ગરમાયું છે ત્યારે, રોહિણી આચાર્યએ ફરી એકવાર પોતાના આરોપોને મજબૂત રીતે રજૂ કર્યા છે. જ્યારે તેમને ચપ્પલવાળા હુમલા અંગે ફરીથી પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું, "રોહિણી જે કહે છે તે સત્ય છે. મેં જે બન્યું તે વિશે ખોટું બોલ્યું નથી." તેમણે પડકાર ફેંક્યો કે જેણે પણ આ વાતનું ખંડન કરવું હોય તે સામે આવે. તેમણે મીડિયાને કહ્યું કે આ સમગ્ર ઘટનાની સત્યતા જાણવા માટે "તમે જઈને તેજસ્વી યાદવ, સંજય યાદવ, રશેલ યાદવ અને રમીઝને તેના વિશે પૂછી શકો છો."
માતા-પિતા અને બહેનો રડી રહ્યા છે
પોતાની ભાવનાત્મક સ્થિતિ વર્ણવતા રોહિણીએ કહ્યું, "મારા પિતા (લાલુ યાદવ) હંમેશા મારી પડખે ઉભા રહ્યા છે. ગઈકાલે મારા માતા-પિતા (લાલુ-રાબડી) પણ રડી રહ્યા હતા. મારી બહેનો પણ મારા માટે રડી." તેમણે કહ્યું કે તે આવા માતા-પિતા મળવા બદલ ભાગ્યશાળી છે. તેમણે દીકરીઓની સ્થિતિ પર કટાક્ષ કરતા ઉમેર્યું, "હું બસ એટલું જ કહીશ કે ભગવાન ન કરે કે કોઈના ઘરમાં મારા જેવી બહેન કે દીકરી હોય. જે ઘરમાં ભાઈઓ હોય, ત્યાં બધો ફાળો તેમણે જ આપવાનો? દીકરીઓ બધું બલિદાન આપે, અને જો તે કોઈ સવાલ પૂછે, તો તેને એમ કહી દેવાનું કે 'તમે પરિણીત છો, હવે તમારા સાસરે જાઓ."
"મેં માત્ર ભાઈનો ત્યાગ કર્યો છે, મુંબઈ જાઉં છું"
રોહિણી આચાર્યએ સ્પષ્ટ કર્યું કે તેમનો વિરોધ કોની સાથે છે. "મેં અત્યારે ફક્ત મારા ભાઈનો ત્યાગ કર્યો છે. મારા માતા-પિતા અને મારી બહેનો સંપૂર્ણપણે મારી સાથે છે." તેમણે પોતાના આગામી પગલા વિશે માહિતી આપતા કહ્યું, "હું હવે મુંબઈ મારા સાસરિયાના ઘરે જઈ રહી છું. આ બધો તમાશો જોઈને, મારી સાસુ મારા માટે ખૂબ ચિંતિત છે અને રડી રહ્યાં છે. તેમણે મને પાછો બોલાવી લીધો છે, એટલે હું તેમની પાસે જાઉં છું."
શું હતા રોહિણીના મૂળ આરોપો?
ઉલ્લેખનીય છે કે, શનિવારે (15 નવેમ્બર) રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો હતો કે તેજસ્વી યાદવ, સંજય યાદવ અને રમીઝે મળીને તેમને પરિવારમાંથી કાઢી મૂક્યા છે. તેમણે એવો પણ ગંભીર દાવો કર્યો હતો કે જો તેઓ આ લોકોના (સંજય યાદવ અને રમીઝ) નામ લેશે તો તેમની સાથે દુર્વ્યવહાર કરાશે, ઘરમાંથી કાઢી મૂકાશે અને ચપ્પલથી મારવામાં આવશે. આ પારિવારિક વિવાદે RJD માં મોટો ભૂકંપ સર્જ્યો છે.