કીવઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા  યુદ્ધના કારણે યુક્રેનમાં સ્થિતિ ભયાનક થઇ રહી છે. હજારો લોકો જીવ બચાવવા માટે બંકરમાં છૂપવા માટે મજબૂર બન્યા છે. તે સિવાય હજારો લોકો બેઘર બન્યા છે. ત્યારે યુક્રેનમાં ઇસ્કોનના મંદિરો સંકટગ્રસ્ત લોકોની સેવા કરવા માટે આગળ આવ્યા છે અને મંદિરના દરવાજા તમામ લોકો માટે ખોલી દીધા છે. એટલું જ નહી યુક્રેનના બેઘર લોકો માટે જમવાની પણ મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે.






ઇસ્કોને પૂર્વીય યુરોપિયન દેશમાં જરૂરિયાતમંદ લોકો માટે મંદિરના દરવાજા ખોલી દીધા છે. ઇસ્કોન, કોલકત્તાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે એક ટ્વિટમાં કહ્યું કે યુક્રેનમાં ઇસ્કોનના 54થી વધુ મંદિરો છે. અમારા ભક્તો અને મંદિર સંકટગ્રસ્ત લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છે. સેવા માટે અમારા દરવાજા ખુલ્લા છે. હરે કૃષ્ણા.



ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં ઇસ્કોન, કોલકત્તાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે કહ્યું કે યુક્રેનમાં ઇસ્કોન મંદિર જરૂરિયાતમંદ લોકોની સેવા માટે તૈયાર છે. અમારા ભક્તો અને મંદિર સંકટમાં પડેલા લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છે. અમારા મંદિરના દરવાજા સેવા માટે ખુલ્લા છે. યુક્રેનમાં ઇસ્કોનના 54થી વધુ મંદિરો છે અને અમારા ભક્તો અને મંદિર બીજાની સેવા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.


રાધારમણે કહ્યું કે આજે સવારે અમે કીવમાં અમારા ભક્તો તરફથી  એક અપડેટ મળ્યું છે. ભગવાન કૃષ્ણની કૃપાથી એ તમામ લોકો સુરક્ષિત અને અને અમારા 54 મંદિરો પણ સુરક્ષિત છે. યુક્રેનમાં અમારા  કૃષ્ણ ભક્તો વાસ્તવમાં એક પગલું આગળ આવ્યા છે. જ્યારે અમારા ભક્તો પર જીવન લીંબુ ફેંકે છે તો તેઓ લીંબુ પાણી બનાવે છે અને અન્ય લોકોને પણ આપે છે. આ મુશ્કેલ સમયમાં અમારા ભક્તો બીજાની  સેવામાં વ્યસ્ત છે. પોતાના જીવનમાં જોખમ ઉઠાવી રહ્યા છે.


તેમણે કહ્યું કે ભૂતકાળમાં પણ ભૂતકાળમાં પણ ચેચન્યા યુદ્ધ દરમિયાન અમારા ભક્તોએ સંકટગ્રસ્ત લોકોની સેવા કરી હતી. દરમિયાન કીવના હરે કૃષ્ણ મંદિરના ભક્ત રાજૂ ગોપાલ દાસે શહેરની સ્થિતિ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે ભક્તો વચ્ચે સ્થિતિ સ્થિર છે. તમામ લોકોમાં ડર છે અને  પરેશાન છે. અમે  ભક્તો માટે મંદિર તૈયાર કર્યું છે.