Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. ભારત સહિત દુનિયાભરના લોકો યુક્રેનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે ભારતના નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં નાણામંત્રીએ યુક્રેન સાથે વ્યાપારીક સંબંધો પર પડનાર અસર પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, યુક્રેન સાથેની આયાત-નિકાસ પર થનાર અસરની વાત કરીએ તો, અમે એ વાતથી ચિંતિત છીએ કે યુક્રેનથી ભારતમાં શું આયાત થાય છે. આ સાથે રશિયા અને યુક્રેનમાં થતી આપણા ખેતી ક્ષેત્રની નિકાસને પણ ખરાબ અસર થશે. આ વાત પણ એટલી જ ચિંતાજનક છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે, આ મુદ્દાઓ પર અને કટોકટીની સ્થિતિને નજર રાખી રહ્યા છીએ, પરંતુ મારે અલગ-અલગ મંત્રાલયોના માધ્યમથી પૂર્ણ મુલ્યાંકન કરવું પડશે અને ત્યાર બાદ જ હું આ મુદ્દે વધુ ટિપ્પણી કરી શકીશ. તેમણે વધુમાં જણાવ્યું કે, આ સ્થિતિને અમે સારી રીતે સમજી ચુક્યા છીએ તેથી તમે આ બાબતે નિશ્ચિંત થઈ શકો છો. નાણામંત્રીએ સીતારમણે આ યુદ્ધના કારણે ઉદ્યોગ જગતને ચુકવણામાં પડેલી મુશ્કેલીઓ અંગે માહિતી માંગી છે. તેમણે કહ્યું કે, દવાની નિકાસ અને ખાતરની આયાતને લઈને અમે ચિંતિત છે.
કેન્દ્ર સરકાર 4 મંત્રીઓને મોકલશેઃ
આ તરફ યુક્રેનમાં ચાલી રહેલા સંકટ અંગે ભારતમાં પણ બેઠકો થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક હાઈલેવલ બેઠક બોલાવી હતી. સુત્રો પ્રમાણે ચાર કેન્દ્રિય મંત્રી યુક્રેનના પાડોશી દેશોમાં જશે જેથી કરીને ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત પરત લાવવાના કામમાં મદદ મળી શકે. આ મંત્રીઓ ભારતના વિશેષ દૂતના રુપમાં જઈ રહ્યા છે. સરકાર આ ચાર મંત્રીઓમાં હરદીપ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજૂ અને વી.કે. સિંહને મોકલી રહી છે.