Saif Ali Khan Attacked: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ગઈકાલે રાત્રે છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. આનાથી ચાહકો સ્તબ્ધ થઈ ગયા છે. બધા જાણવા માંગે છે કે આટલી મોટી ઘટના કેવી રીતે બની. સમાચાર એજન્સી ANI અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે મોડી રાત્રે એક અજાણ્યો વ્યક્તિ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો અને નોકરાણી સાથે દલીલ કરવા લાગ્યો હતો. જ્યારે અભિનેતાએ દરમિયાનગીરી કરીને તે વ્યક્તિને શાંત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે સૈફ અલી ખાન પર હુમલો કરીને તેને ઘાયલ કર્યો હતો.  પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

મુંબઈ પોલીસ ડીસીપીએ આ મામલે જણાવ્યું હતું કે અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં એક અજાણ્યો વ્યક્તિ ઘૂસી ગયો હતો. અભિનેતા અને તે વ્યક્તિ વચ્ચે ઝપાઝપી થઈ હતી. અભિનેતા ઘાયલ થયો છે અને તેની સારવાર ચાલી રહી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

લીલાવતી હોસ્પિટલે પુષ્ટી કરી હતી કે સૈફ અલી ખાનની સર્જરી હજુ પણ ચાલુ છે. આ હુમલામાં સૈફ અલીને ઈજાઓ થઈ છે. તેની ગરદનના પાછળના ભાગમાં અને ડાબા હાથ પર  ઉંડો ઘા વાગ્યો છે. સૈફની ટીમ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે કેટલાક લોકોને ડર હતો કે કોઈ તીક્ષ્ણ વસ્તુ તેની કરોડરજ્જુમાં વાગી હશે. ગઈકાલે રાત્રે 2:30 વાગ્યે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે હાલમાં હોસ્પિટલમાં છે અને તેની સર્જરી ચાલી રહી છે. અમે મીડિયા અને ચાહકોને ધીરજ રાખવા વિનંતી કરીએ છીએ. આ પોલીસનો મામલો છે. અમે તમને દરેક પરિસ્થિતિ વિશે માહિતગાર રાખીશું.

Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ