Sanatan Dharm Row: સનાતન ધર્મ પર ટિપ્પણી કરવા બદલ તમિલનાડુ સરકારના મંત્રી અને મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિન સામે વધુ એક FIR નોંધવામાં આવી છે. આ એફઆઈઆર મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં ધાર્મિક  લાગણીઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં નોંધવામાં આવી હતી. એફઆઇઆરમાં વિવિધ જૂથો વચ્ચે નફરત ફેલાવવા માટે IPCની કલમ 153A અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે IPCની કલમ 295Aને સામેલ કરવામાં આવી છે.






ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશના રામપુરમાં સ્ટાલિન વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેનું નામ પણ સામેલ છે. ઉધયનિધિના નિવેદનને સમર્થન આપવા બદલ FIRમાં પ્રિયાંકનું નામ નોંધવામાં આવ્યું હતું. આ સિવાય આ જ કેસમાં બિહારમાં મુઝફ્ફરપુર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ઉધયનિધિ સ્ટાલિન વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.                   


ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ પર શું કહ્યું?


ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી અને તેને નાબૂદ કરવાની વાત કરી હતી. 2 સપ્ટેમ્બરના રોજ એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે , 'સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. કેટલીક બાબતોનો વિરોધ કરી શકાતો નથી, તેને ખત્મ કરી દેવું જોઇએ. આપણે ડેન્ગ્યુ, મચ્છર, મલેરિયા કે કોરોનાનો વિરોધ ન કરી શકાય, તેને નાબૂદ કરવો પડશે. એ જ રીતે સનાતનનો પણ નાશ કરવાનો છે.


ઉદયનિધિના નિવેદન પર વિવાદ શરૂ થયો હતો


ઉધયનિધિના આ નિવેદન બાદ વિવાદ શરૂ થયો હતો અને કેન્દ્રીય મંત્રીઓથી લઈને ભાજપના તમામ નેતાઓએ તેનો વિરોધ કર્યો છે. તેમજ વિપક્ષના મૌન પર સનાતન ધર્મના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપના આ આરોપો પર વિપક્ષનું કહેવું છે કે I.N.D.I.A ગઠબંધનને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.