લોકસભા ચૂંટણી 2024ના પરિણામ બાદ મહારાષ્ટ્રમાંથી કૉંગ્રેસ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના સાંગલીથી અપક્ષ ચૂંટણી જીત્યા બાદ વિશાલ પાટીલે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને મળી પોતાનું સમર્થન આપ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સાંગલીના ચૂંટાયેલા સાંસદ વિશાલ પાટીલના સમર્થનનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ ઘમંડ અને વિભાજનકારી રાજનીતિને પાઠ ભણાવ્યો છે.


કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “મહારાષ્ટ્રની જનતાએ વિશ્વાસઘાત, ઘમંડ અને ભાગલાની રાજનીતિને હાર આપી. સામાજિક ન્યાય, સમાનતા અને સ્વતંત્રતા માટે લડનારા છત્રપતિ શિવાજી મહારાજ, મહાત્મા જ્યોતિબા ફૂલે અને બાબાસાહેબ ડૉ. આંબેડકર જેવા આપણા પ્રેરણાદાયી દિગ્ગજોને સાચી શ્રદ્ધાંજલિ છે.






વિશાલ પાટીલે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું


લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ વિશાલ પાટીલ કોંગ્રેસની ટિકિટ પર સાંગલી સીટ પરથી ચૂંટણી લડવા માંગતા હતા પરંતુ સાંગલી સીટ શિવસેના (UBT) પાસે ગઈ.
આ પછી વિશાલ પાટીલે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી અને જીત મેળવી. હવે તેઓ કોંગ્રેસ અધ્યક્ષને મળ્યા અને પોતાનું સમર્થન આપ્યું હતું. 


સાંગલી લોકસભા સીટ પર કયા ઉમેદવારને કેટલા વોટ?


મહારાષ્ટ્રની સાંગલી લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા વિશાલ પાટીલને 5 લાખ 71 હજાર 666 વોટ મળ્યા હતા. તેમણે ભાજપના સંજય પાટીલને 1 લાખ 53 મતોથી હરાવ્યા હતા. આ સીટ પર બીજેપી ઉમેદવાર સંજય પાટીલ બીજા ક્રમે છે. તેમને કુલ 4 લાખ 71 હજાર 613 મત મળ્યા હતા. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના આ બેઠક પર ત્રીજા ક્રમે છે. શિવસેના (UBT)ના ઉમેદવાર ચંદ્રહર સુભાષ પાટીલને કુલ 60 હજાર 860 મત મળ્યા હતા. 


શું પરિણામ આવ્યું?


તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં બીજેપી ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. તેને કોંગ્રેસ, શરદ પવારની એનસીપી  અને ઉદ્ધવ ઠાકરેની યુબીટીએ હાર આપી છે. એનસીપી અને શિવસેના વચ્ચેના ભાગલા પછી યોજાયેલી પ્રથમ મોટી ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ 13 બેઠકો મળી છે.


જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને 9 અને શરદ પવારની NCPને 8 બેઠકો મળી હતી. સૌથી મોટો ફટકો ભાજપ અને અજિત પવારને પડ્યો. ભાજપે 9 બેઠકો, શિવસેનાએ સાત અને અજિત પવારની પાર્ટી એનસીપીએ એક બેઠક જીતી હતી.