MAHARASHTRA NEWS: મહારાષ્ટ્રમાં NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) ને લઈને રાજકીય હલચલ તેજ બની છે. આ દરમિયાન શિવસેના (UBT) નેતા સંજય રાઉતે રવિવારે (1 ફેબ્રુઆરી) દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના દિવંગત નાયબ મુખ્યમંત્રી અજિત પવારની પાર્ટીના જ કેટલાક લોકો તેમને NCP ના બંને જૂથોને એક કરવાથી રોકી રહ્યા હતા, કારણ કે જો આવું થાય તો તેવા લોકોની રાજકીય પ્રાસંગિકતા ખતમ થઈ જાય તેમ હતી.
નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું, "અજિત પવારે પોતાની NCP અને તેમના કાકા શરદ પવારના નેતૃત્વવાળી NCP (SP) ને એક કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવી હતી અને આ ઉદ્દેશ્યથી ઘણી બેઠકો પણ યોજવામાં આવી હતી."
'શરદ પવાર ભાજપ સાથે ગઠબંધન નહીં કરે'
ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ રાઉતે જણાવ્યું કે અજિત પવારને અંતિમ ક્ષણ સુધી શરદ પવાર પર પૂરો ભરોસો હતો. તેમણે દાવો કર્યો કે જો NCP ના બંને જૂથોનું વિલીનીકરણ થાય તો પણ શરદ પવાર દ્વારા ભાજપ સાથે ગઠબંધન કરવાની કોઈ શક્યતા નથી.
NCP ની કમાન પટેલ નહીં પણ પાટીલના હાથમાં જાય - રાઉત
NCP ના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ પર નિશાન સાધતા સંજય રાઉતે કહ્યું કે NCP એ 'પાટીલ' (મરાઠી) લોકોની પાર્ટી છે અને નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેનું નેતૃત્વ 'પટેલ' ના હાથમાં ન જાય. ઉલ્લેખનીય છે કે સંજય રાઉત પહેલા મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પણ કહ્યું હતું કે NCP ની કમાન કોઈ પટેલ નહીં પણ કોઈ પાટીલ એટલે કે મરાઠી વ્યક્તિના હાથમાં જ જવી જોઈએ.
અજિત પવારનું પ્લેન ક્રેશમાં થયું હતું નિધન
નોંધનીય છે કે NCP પ્રમુખ અને ડેપ્યુટી CM અજિત પવારનું બુધવારે પુણે પાસે બારામતીમાં વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. ત્યારપછી રાજકીય ગલિયારાઓમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે અજિત પવાર પોતાની પાર્ટી અને શરદ પવારની પાર્ટીનું વિલીનીકરણ કરવા માંગતા હતા કે નહીં. હાલમાં અજિત પવારના પત્ની સુનેત્રા પવાર ડેપ્યૂટી સીએમ બન્યા છે. હવે પાર્ટીની કમાન કોના હાથમાં સોંપવામાં આવે છે અથવા શરદ પવારની એનસીપીમાં વિલિનિકરણ થાય છે કે નહીં તે જોવું રહ્યું.
