લખનઉઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો પર કાર ચઢાવવા મામલે એક નવો વીડિયો સામે આવ્યો છે. નોંધનીય છે કે એબીપી ન્યૂઝ આ વીડિયોની પુષ્ટી કરતા નથી. આ વીડિયોમાં કાર કોણ ચલાવી રહ્યું હતુ તે પણ સ્પષ્ટ જોઇ શકાતું નથી. આ વીડિયો આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ટ્વિટર પર પોસ્ટ કર્યો છે.


ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરતા સંજય સિંહે લખ્યું કે શું આ પછી પણ કોઇ પુરાવો જોઇએ? જુઓ સત્તાના અહંકારમાં ચૂર ગુંડાએ ખેડૂતોને પોતાની કાર નીચે કેવી રીતે કચડીને મારી નાખ્યા. કેટલીક ચેનલ જ્ઞાન આપી રહ્યા હતા કે મંત્રીનો દીકરો જીવ બચાવીને ભાગ્યો હતો.






આ  સાથે જ યુથ કોગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ પણ આ વીડિયો ટ્વિટર પર શેર કરતા વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. શ્રીનિવાસે લખ્યું કે કોઇ ખેડૂત ના તોફાન મચાવી રહ્યો હતો ના કોઇ ખેડૂતે ગાડી પર પથ્થરમારો કરી રહ્યો હતો. મંત્રીનો દીકરો પોતાના બાપના આદેશનુ પાલન કરી રહ્યો હતો. ખેડૂતોને નિર્દયી રીતે પાછળથી કચડી રહ્યો હતો. હવે બધુ જ સામે છે. શરમ કરો નરેન્દ્ર મોદી..






આ વીડિયોની શરૂઆતમાં ખેડૂતો રસ્તા પર ચાલતા જોઇ શકાય છે. પાછળથી એક બ્લેક અને મિલિટ્રી કલરની એસયુવી આવે છે અને ખેડૂતોને પાછળથી ટક્કર મારતી આગળ વધે છે. આ વચ્ચે એક વૃદ્ધ ખેડૂત કારના બોનેટ પર પડતા જોઇ શકાય છે. તસવીરો ખૂબ સ્પષ્ટ નથી પરંતુ કાર ટક્કર મારતા આગળ વધી રહી છે જેના પરથી લાગી રહ્યું છે કે અનેક ખેડૂતોને ટક્કર મારતા કાર વધી હશે. કેટલાક લોકોની ચીસો પણ સાંભળી શકાય છે. લખીમપુર ખીરીમાં બે દિવસની હિંસા બાદ ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે સમાધાન થયું હતું. સરકારે મૃતક ખેડૂતોના પરિવારજનોને 45-45 લાખ રૂપિયાની સહાય અને ઇજાગ્રસ્તો ખેડૂતોને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.