supreme court age relaxation case: સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ અનામત શ્રેણીનો ઉમેદવાર (જેમ કે OBC/SC/ST) ભરતી પ્રક્રિયામાં વય મર્યાદાની છૂટછાટ જેવો કોઈ લાભ લે છે, તો તે પછીથી સામાન્ય શ્રેણીની બેઠક પર દાવો કરી શકશે નહીં. આ નિયમ ખાસ કરીને ત્યારે લાગુ પડશે જ્યારે ભરતીના નિયમોમાં આ પ્રકારનો પ્રતિબંધ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યો હોય. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય દ્વારા ત્રિપુરા હાઇકોર્ટના એવા આદેશને રદ કર્યો છે, જેમાં અનામતનો લાભ લેનારા ઉમેદવારોને સામાન્ય શ્રેણીમાં ગણવાની મંજૂરી આપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ ચુકાદો
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચી ની બેન્ચે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, એકવાર કોઈ ઉમેદવાર અનામતનો લાભ લઈ લે, પછી ભલે તે ઉંમરમાં છૂટછાટ હોય કે અન્ય કોઈ રીતે, તે પછી જનરલ કેટેગરીની બેઠકો પર હક જમાવી શકતો નથી. આ ચુકાદો સ્પષ્ટપણે દર્શાવે છે કે અનામતનો લાભ લેવો અને સામાન્ય કેટેગરીમાં સ્પર્ધા કરવી એ બંને અલગ બાબતો છે.
સમગ્ર મામલો અને વિવાદની વિગતો
આ વિવાદ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આયોજિત કોન્સ્ટેબલ (GD) ની ભરતી સાથે સંબંધિત હતો. આ ભરતી હેઠળ BSF, CRPF, ITBP, SSB અને અન્ય દળોમાં ઉમેદવારોની પસંદગી થવાની હતી. ભરતી માટેની વય મર્યાદા 18 થી 23 વર્ષની હતી, જેમાં OBC ઉમેદવારોને 3 વર્ષની છૂટ આપવામાં આવી હતી.
કેટલાક અનામત શ્રેણીના ઉમેદવારોએ વય મર્યાદાનો લાભ લઈને અરજી કરી, પરંતુ તેઓને તેમના ક્વોટામાં પસંદગી મળી ન હતી. જોકે, તેમના ગુણ સામાન્ય શ્રેણીમાં પસંદ થયેલા છેલ્લા ઉમેદવારો કરતા વધુ હતા. આ આધારે તેમણે ત્રિપુરા હાઇકોર્ટ માં અરજી દાખલ કરી અને દલીલ કરી કે તેમના ગુણને પ્રાધાન્ય આપી તેમને સામાન્ય શ્રેણીમાં સમાવવા જોઈએ. હાઇકોર્ટે 2010 ના જિતેન્દ્ર કુમાર સિંહ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્યના કેસનો ઉલ્લેખ કરીને તેમની તરફેણમાં નિર્ણય આપ્યો હતો.
કેન્દ્ર સરકારની દલીલ અને મેમોરેન્ડમ
ત્રિપુરા હાઇકોર્ટ ના આ આદેશને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ માં પડકાર્યો હતો. કેન્દ્રએ 1 જુલાઈ, 1998, ના એક ઓફિસ મેમોરેન્ડમનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે જે ઉમેદવારો ઉંમર કે અન્ય કોઈ છૂટછાટ મેળવે છે, તેઓ જનરલ કેટેગરીની બેઠકો પર દાવો કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે આ મેમોરેન્ડમ અને ભરતીના નિયમોને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટના આદેશને રદ કર્યો અને અનામત સંબંધિત આ મહત્વપૂર્ણ સિદ્ધાંતને પુનઃસ્થાપિત કર્યો છે.