સુપ્રીમ કોર્ટે સગીરા પર બળાત્કારના પ્રયાસ સંબંધિત કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી દીધી છે. ન્યાયાધીશોએ આ નિર્ણયને અસંવેદનશીલ ગણાવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, 'સગીરાના સ્તન પકડવા અને તેના પાયજામાનું નાડુ ખોલવું એ બળાત્કાર નથી.'
હવે સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી કરી અને કહ્યું હતું કે, અમને એ જોઈને દુઃખ થાય છે કે નિર્ણય લખનારાઓમાં સંવેદનશીલતાનો અભાવ છે. બુધવારે જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી
ગયા મંગળવારે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયની સુઓમોટો નોટિસ લીધી હતી. ઉપરાંત સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે તેમને આ માટે નોટિસ જાહેર કરી છે.
સુપ્રીમ કોર્ટનો નિર્ણય શું છે?
સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કેટલાક નિર્ણયો એવા હોય છે કે તેના પર રોક લગાવવી જરૂરી બની જાય છે. આ નિર્ણયના ફકરા 21, 24 અને 26 માં લખેલી બાબતોએ લોકોને ખૂબ જ ખોટો સંદેશ આપ્યો છે.
હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ ન્યાયાધીશને સંવેદનશીલ કેસોની સુનાવણી કરવાની મંજૂરી ન મળે. ન્યાયાધીશોએ કહ્યું કે નિર્ણય તાત્કાલિક લેવામાં આવ્યો ન હતો પરંતુ ચાર મહિના સુધી અનામત રાખ્યા પછી જાહેર કરવામાં આવ્યો હતો. એનો અર્થ એ કે નિર્ણય સંપૂર્ણ વિચારણા પછી આપવામાં આવ્યો છે.
ચુકાદામાં કહેવામાં આવેલી ઘણી બાબતો કાયદેસર રીતે ખોટી અને અમાનવીય લાગે છે. આવી સ્થિતિમાં અમે આ નિર્ણય પર રોક લગાવી રહ્યા છીએ અને તમામ પક્ષોને નોટિસ આપી રહ્યા છીએ.
આ કેસ 11 વર્ષની છોકરી સાથે સંબંધિત છે.
17 માર્ચના રોજ આપેલા ચુકાદામાં હાઈકોર્ટે ઠેરવ્યું હતું કે પીડિતાને ખેંચીને બ્રિજ નીચે લઇ જવી, તેના સ્તન પકડવા અને તેના પાયજામાનું નાડુ ખોલવું એ બળાત્કારનો પ્રયાસ ગણાશે નહીં. 11 વર્ષની બાળકી સાથે બનેલી આ ઘટના અંગે હાઈકોર્ટના જસ્ટિસ રામ મનોહર નારાયણ મિશ્રાનો નિષ્કર્ષ એ હતો કે આ એક મહિલાના ગૌરવ પર હુમલો કરવાનો કેસ છે. આને બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ ન કહી શકાય.