નવી દિલ્હી: જેલમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવાની શક્યતાને કારણે સુપ્રીમ કોર્ટે મોટી સંખ્યામાં કેદીઓને છોડવાના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે તમામ રાજ્યોમાં બનાવવામાં આવેલી હાઈ પાવર કમિટિ ગત વર્ષે જાહેર કરેલા નિર્દેશ મુજબ કેદીઓને છોડવાનો નિર્ણય લે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ કોર્ટના આદેશ પર કેદીઓને અંતરિમ જામીન પર મુક્ત કરાયા હતા. ત્યારે છોડવામાં આવેલા તમામ કેદીઓ જેલમાં પરત આવી ગયા છે. ક્ષમતા કરતા વધારે ભરવામાં આવેલી જેલમાં મોટી સંખ્યામાં કેદીઓ અને કર્મચારીઓ સંક્રમિત થઈ રહ્યા છે.  ચીફ જસ્ટિસ એન વી રમના સામે કાલે આ કેસ રાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ નિર્ણય આવ્યો છે.


ગત વર્ષે 23 માર્ચે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોમાં કેદીઓને છોડવા માટે એક ઉચ્ચ સ્તરીય કમિટી બનાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે કમિટીએ નિર્ણય કરે કે સજા ભોગવી ચૂકેલા અને વિચારાધીન કેદીઓને હાલ થોડા સમય માટે છોડવામાં આવી શકે છે.  કોર્ટે સૂચન આપ્યું હતું કે 7 વર્ષથી ઓછી સજા અથવા નાના ગુનાહોમાં કેસનો સામનો કરતા કેદીઓને પેરોલ પર છોડી દેવા યોગ્ય રહેશે. કોર્ટના આ આદેશ બાદ ઘણા મહીનાઓ સુધી કેદીઓને છોડવા પર રાજ્યો પાસેથી જાણકારી લીધી હતી.


શુક્રવારે આ કેસ ખૂબ જ લાંબા સમય બાદ કોર્ટમાં ઉઠ્યો છે. વરિષ્ઠ વકીલ કોલિન ગોંજાલ્વિસે ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચને જણાવ્યું કે કોરોના સંક્રમણ ઓછુ થયા બાદ લગભગ કેદીઓ જેલમાં પરત આવ્યા હતા. હાલના સમયે મોટાભાગની જેલો ક્ષમતા કરતા વધારે ભરેલી છે. કોર્ટે તાત્કાલિક આ બાબતે આદેશ આપવો જોઈએ. તેમણે એ માંગ રાખી હતી કે હાઈ પાવર કમિટી નિર્ણય લેવામાં સમય બગાડે, તેનાથી સારુ રહેશે કે ગત વર્ષે જે કેદીઓને છોડવામાં આવ્યા તેમને આ વર્ષે પણ છોડી દેવામાં આવે.  સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રમનાએ તેમને આશ્વસ્ત કરતા કહ્યું હતું કે તેઓ આ મામલે તમામ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાથે ચર્ચા કરશે જેથી પ્રક્રિયાને સરળ બનાવી શકાય.


આજે સુપ્રીમ કોર્ટે  પોતાની વેબસાઈટ પર આદેશ અપલોડ કરી દીધો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યોમાં બનાવવામાં આવેલા હાઈ પવાર કમિટી ગત વર્ષે જાહેર આદેશનું પાલન  કરે. જે કેદીઓને ગત વર્ષે છોડવામાં આવ્યા હતા તેમને આ વર્ષે પણ છોડી દેવામાં આવે. જે કેદીઓને ગત વર્ષે પેરોલ મળ્યા હતા, તેમને ફરી 90 દિવસ માટે છોડવામાં આવે.