ગુડગાંવઃ ગુડગાંવમાં પડેલા ભારે વરસાદ પછી ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. રોડ-રસ્તા પાણીથી તરબોડ થઈ ગયા છે. ગુડગાંવના મુખ્યમાર્ગો પર બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે, ત્યારે ગુડગાંવમાં ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. કિલોમીટર્સ સુધી લાંબા ટ્રાફિકજામથી લોકો પરેશાન થઈ ગયા છે, ત્યારે ગુડગાંવની સ્કૂલો બંધ કરવાની ફરજ પડી છે. એટલું જ નહીં, ગુડગાંવની પોલીસે અહીં ન આવવા અપીલ કરી છે.
ગુડગાંવમાં 20.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જેની સૌથી વધારે અસર દિલ્હી-ગુડગાંવ હાઈવેને થઈ છે. અનેક કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં હજારો લોકો છેલ્લા સાત-આઠ કલાકોથી ફસાયેલા છે. આ અંગે હરિયાણાના મુખ્યમંત્રીએ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. તેમણે આના માટે કેજરીવાલને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું છે કે, આ જામ માટે દિલ્લીના મુખ્યમંત્રી જવાબદાર છે.

ભારે ટ્રાફિકજામને કારણે લોકોને રસ્તામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી. નાઇટ શિફ્ટમાં નોકરી કરતાં લોકો ઓફિસ પહોંચી શક્યા નહોતો. તો ઇવનિંગ સિફ્ટ પૂરી કરીને ઘરે જતાં લોકો રસ્તામાં જ ફસાઇ ગયા હતા.