મુંબઈ: મુંબઈમાં ધોરણ 1 થી ધોરણ 9 અને ધોરણ 11ની શાળાઓ બંધ કરવામાં આવી છે. 31 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. સાથે જ 10 અને 12 સુધીનો અભ્યાસ ચાલુ રહેશે. મહારાષ્ટ્ર સરકારના આદેશ બાદ BMCએ આ નિર્ણય લીધો છે. મુંબઈમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. BMCએ પોતાના આદેશમાં કહ્યું કે કોરોનાને જોતા શાળાઓ બંધ કરવામાં આવી છે. શાળાઓ આખો મહિનો બંધ રહેશે.


તમને જણાવી દઈએ કે મુંબઈમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ શાળાઓ બંધ કરવામાં આવી રહી છે. યુપી, દિલ્હી, હરિયાણા સહિત અન્ય ઘણા રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.


મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના નવા કેસોમાં વધારો ચાલુ છે. સોમવારે રાજ્યમાં કોરોના વાયરસના 12160 નવા કેસ નોંધાયા છે. આ સિવાય ચેપને કારણે 10 લોકોના મોત પણ થયા છે. 12 હજારથી વધુ નવા કેસ સાથે રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા 52,422 પર પહોંચી ગઈ છે. ઓમિક્રોન કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલમાં 578 કેસ સામે આવ્યા છે. જેમાંથી 259 સાજા થયા છે.


બીજી બાજુ, જો આપણે મુંબઈ વિશે વાત કરીએ, તો શહેરમાં સોમવારે 8,082 નવા કેસ નોંધાયા હતા, જે ગયા વર્ષે 18 એપ્રિલ પછી એક જ દિવસે સૌથી વધુ છે. આ બીમારીના કારણે વધુ બે દર્દીઓના મોત થયા છે. મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના 40 નવા કેસ નોંધાયા છે, જેનાથી મહાનગરમાં આવા ચેપની સંખ્યા 368 થઈ ગઈ છે.


મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસથી કોરોનાના પગલે વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. દેશમાં કોરોનાનો કેર સતત વકરતો જઈ રહ્યો છે. દિલ્હીમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને જોતા રાજધાનીમાં થર્ડ વેવના એંધાણ મળી રહ્યા છે.