સ્થાનિક લોકો શુક્રવારે સવારથી જ ખેડૂત આંદોલનકારીઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા અને હાઈવે ખાલી કરવાની માંગ કરી હતી. બન્ને જૂથો વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે પથ્થરમારો પણ થયો, પોલીસે લાઠીચાર્જ કર્યો અને પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, આ ઘર્ષણમાં અનેક લોકો અને પોલીસકર્મી ઘાયલ થઈ ગયા છે.
દિલ્લીમાં લાલ કિલ્લા પર થયેલી હિંસા બાદ ખેડૂત આંદોલનના બે ફાટા પડ્યા હતા. જો કે ખેડૂત નેતા રાકેશ ટિકૈતના આંસુઓથી ફરીથી ખેડૂત આંદોલનમાં યુ ટર્ન આવ્યો છે. ગઈકાલે મોડી રાત્રથી ગાઝીપુર બોર્ડર પર ફરીથી ખેડૂતો પરત ફરી રહ્યાં છે. મોડી રાત્રે પોલીસ ફોર્સને પરત બોલાવાઈ હતી. કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદ પર ખેડૂતો છેલ્લા બે મહિનાથી પ્રદર્શન કરી રહ્યાં છે અને આ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યાં છે.