શ્રીનગરમાં ફરી આતંકી હુમલાની ઘટના સામે આવી છે, જેમા એક જવાન શહીદ થયો છે, જ્યારે એક જવાન ઈજાગ્રસ્ત થયો છે. આ તાજેતરમાં આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં સૌથી મોટો હુમલો છે. આતંકીઓ સર્ચ ઓપરેશન કરી રહેલા સેનાના જવાનો અને પોલીસકર્મીઓને નિશાન બનાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ આતંકીઓએ બડગામ જિલ્લામાં બે પોલીસકર્મીઓની હત્યા કરી હતી, જે સગા ભાઈઓ હતા.


પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે શહીદ થનાર જવાન CRPFમાં ફરજ બજાવતો હતો. આ ઘટનાના થોડા કલાકો પહેલા પુલવામાં ગેર કાશ્મીરીયો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમા બે પ્રવાસી મજૂરોના મોત થયા હતા. આજે હુમલામાં ઘાયલ થયેલા જવાનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આતંકીઓએ સુરક્ષાદળોની એક ચેકપોસ્ટ પર ફાયરિંગ કરી હતી. જવાનોએ જવાબી કાર્યવાહી કરતા આતંકીઓ ભાગી ગયા હતા.


સુરક્ષાદળોએ આ વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકીઓની શોધખોળ માટે અનેક ટીમો કામે લાગી છે. આ પહેલા બિહારના રહેવાસી બે મજૂરોની આતંકીઓએ પુલવામામાં હત્યા કરી હતી. આ છેલ્લા 24 કલાકમાં પ્રવાસી મજૂરો પર આતંકીઓનો બીજો હુમલો છે. જો કે આ હુમલાની કોઈ આતંકી સંગઠને જવાબદારી લીધી નથી.


સુરક્ષાદળોનું કહેવુ છે કે, આતંકવાદી સામે સેનાની કડક કાર્યવાહીથી તેઓ ગુસ્સે થયા છે અને હુમલા શરૂ કરી દીધા છે. બડગામમાં પણ આ રણનીતિથી આતંકીઓએ પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા હતા. જો કે સુત્રોના જણાવ્યા પ્રમાણે આતંકીઓને ટાર્ગેટ લીસ્ટ પ્રમાણે ઠાર કરવાનું અભિયાન ચાલું છે.