Seema and Sachin Love Story : સીમા હૈદર નામની મહિલાએ ભારત અને પાકિસ્તાન એમ બબ્બે દેશમાં ભારે ચકચાર મચાવી છે. સીમા હૈદર વિશે સૌકોઈ જાણવા આતુર છે કે આખરે તેની હકીકત છે શું? હવે સીમા હૈદર કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સીઓને મહત્વપૂર્ણ માહિતી મળી છે કે, ભારતના સચિનની ઉપરાંત સીમા ત્રીજા વ્યક્તિની મદદથી ભારતીય સરહદમાં પ્રવેશી હતી. 


ઈન્ટેલિજન્સ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય સરહદમાં પ્રવેશ કરતી વખતે સીમાએ પોતાનો ડ્રેસ સહિતની વેશભૂષા એ રીતે કરી હતી કે, તે કોઈ દેશની બહારની મહિલા નહીં પણ ગ્રામીણ ભારતીય મહિલા જેવી જ દેખાય આવે અને આ મે-અપમાં પ્રોફેશનલ લોકોની મદદ લેવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓની નજરથી બચવા તેણે પોતાના બાળકોને પણ આ જ રીતે તૈયાર કરવામાં આવ્યા હતા.


તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, માનવ તસ્કરીમાં સામેલ મહિલાઓ એટલે કે ઘરેલું મદદગાર અથવા વેશ્યાવૃત્તિ રેકેટમાં સામેલ મહિલાઓ ભારત-નેપાળ સરહદ પાર કરવા માટે કંઈક આવી જ પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત સીમા જે ભાષામાં બિંદાસ્ત અને કડકડાટ રીતે બોલી રહી છે, નેપાળમાં રહેલા પાકિસ્તાની હેન્ડલર્સ તે મહિલાઓને આવી ટ્રેનિંગ આપે છે જેમને નેપાળ સરહદ પાર કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે ભારત મોકલવામાં આવે છે. હવે આવા એજન્ટો પણ ભારતીય ગુપ્તચર અને તપાસ એજન્સીઓની તપાસ હેઠળ છે જેઓ આ પદ્ધતિની ખાસ પ્રકારની તૈયારી દ્વારા ભારતમાં લોકોને ગેરકાયદેસર પ્રવેશ કરાવે છે.


જાહેર છે કે, સીમા હૈદર તપાસ એજન્સીઓના નિશાના પર છે. UP ATSએ સીમા હૈદરની સતત બે દિવસ પૂછપરછ કરી છે. સીમા હૈદરની લગભગ 15 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જો કે તપાસ એજન્સી તેના જવાબોથી સંતુષ્ટ જણાતી નથી. પૂછપરછ દરમિયાન, સીમા દ્વારા ઉલ્લેખિત એન્ટ્રી સાથેના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી હતી. પરંતુ તપાસ એજન્સીને કશું મળ્યું નહોતું. સરહદ નજીકથી મળી આવેલા ફોનને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, તેની પાસેના એક ફોનનો તમામ ડેટા ગાયબ છે. જ્યારે એક ફોન તૂટી ગયેલો છે.


ફોનમાં છુપાયા છે રહસ્ય


એટીએસને સીમા પાસેથી ચાર ફોન મળી આવ્યા હતા, જેમાંથી એક ફોન તૂટી ગયો હતો અને એક ફોન સિમ ન હોવા છતાં તેની પાસે રાખવામાં આવ્યો હતો. ATSને શંકા છે કે, આ ફોનમાં ઘણા રહસ્યો છુપાયેલા છે અને સીમા હૈદરનું રહસ્ય આ ફોન દ્વારા બહાર આવી શકે છે. ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી ત્રીજા મોબાઈલનો ડેટા વહેલી તકે રિકવર કરવા વિનંતી કરવામાં આવી છે. સીમા આ મોબાઈલ વિશે કોઈ ચોક્કસ અને સાચો જવાબ આપી શકતી નથી. દરેક વખતે તે મોબાઈલ વિશે અલગ-અલગ વાતો કહેતી હોય છે.


યુપી એટીએસના એસએસપીએ પોતે મંગળવારે સીમાની કલાકો સુધી પૂછપરછ કરી હતી. સીમા નેપાળ વિશે આટલું બધું કેવી રીતે જાણતી હતી, તેને કેવી રીતે ખબર પડી કે, તે નેપાળ થઈને ભારતમાં પ્રવેશી શકે છે? આ દરમિયાન તેણે અનેક સવાલો પર મૌન પણ સેવ્યું હતું. જ્યારે તેને મળેલા તૂટેલા ફોન અંગે તેની પાસે સંતોષકારક જવાબ નથી. આ સિવાય મે મહિના પહેલાની દરેક વસ્તુ તેના ફોનમાંથી ડિલીટ થઈ છે. આમ થવાનું કારણે તેણે ફોન હેંગ થઈ જતો હોવાનું જણાવ્યું હતું. 


આ સાથે જ, પૂછપરછ દરમિયાન એ પણ ખુલાસો થયો છે કે, પાકિસ્તાનમાં રહેતા સચિને ભારતમાંથી તેને પૈસા ટ્રાન્સફર કર્યા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સીમાએ નેપાળમાં અન્ય કોઈના ફોનના નેટનો ઉપયોગ કરીને સચિન પાસેથી પૈસા માંગ્યા હતા. જો કે, હવે સીમા કહી રહી છે કે, તે આ વ્યક્તિ વિશે કંઈપણ જાણતી નથી.


https://t.me/abpasmitaofficial