પુણેઃ દેશની સૌથી મોટી રસી નિર્માતા કંપની પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ 18 જૂને કોવાવેક્સ વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલની શરૂઆત કરી છે. બાળકો પર આ વેક્સીનના ટ્રાયલ માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની મંજૂરી માટે ઝડપથી અરજી કરી શકે છે. સીરમ ઈન્સ્ટિટયૂટે ઓગસ્ટ 2020માં અમેરિકાની કંપની નોવાવેક્સ ઈંક સાથે લાયસન્સ કરારની જાહેરાત કરી હતી. નોવાવેક્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિડ-19 વેક્સીનને ભારતમાં કોવોવેક્સ નામ આપવામાં આવ્યું છે.


સીરમ ઈન્સ્ટિટ્યૂટના અધિકારીઓ અનુસાર, શરૂઆતમાં 12 થી 18 વર્ષના બાળકોમાં ક્લિનિકલ ટ્રાયલ માટે ડીજીસીઆઈ અરજી કરશે. જે બાદ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર કોવોવેક્સના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માંગશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ હાલ દેશમાં કોવિશીલ્ડ વેક્સિસનનું ઉત્પાદન કરી રહ્યું છે. કોવોવેક્સ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી આ બીજી વેક્સિન છે અને હાલ ક્લિનિકલ ટ્રાયલના તબક્કામાં છે.


ગઈકાલે કોવોવેક્સની પ્રથમ બેચના ઉત્પાદનની જાણકારી આપતા કંપનીના સીઈઓ અદાર પૂનાવાલાએ ટ્વીટ કર્યુ હતું. તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું, અમે એક નવું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ચાલુ સપ્તાહે પુણેમાં કોવોવેક્સની પ્રથમ બેચનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. જેને લઈ હું ખૂબ જ ઉત્સાહિત છું. ઉપરંતે તેમણે એમ પણ કહ્યું કે, 18 વર્ષથી ઓછી વયની ભવિષ્યની આપણી પેઢીની સુરક્ષા કરવાની આ વેક્સિનમાં શાનદાર ક્ષમતા છે. તેનું હાલ ટ્રાયલ ચાલી રહ્યું છે.




ભારતમાં કોરાના સંક્રમણ મામલા છેલ્લા પાંચ દિવસમાં બીજી વખત 50 હજારથી ઓછા કેસ નોંધાયા છે.   સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 48,698 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 1183 લોકોના મોત થયા છે. આ પહેલા 21 જૂને 43,640 મામલા સામે આવ્યા હતા.  ગઈકાલે 64,818 લોકો કોરોનાથી ઠીક થયા હતા. એટલેક 17,303 એક્ટિવ કેસ ઘટી ગયા છે.


 દેશમાં સતત 44મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 25 જૂન સુધી દેશભરમાં 31 કરોડ 50 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 61 લાખ  19 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 40 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે 17 લાખ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.