Rajasthan : રાજસ્થાનના સિરોહીમાં છેલ્લા પાંચ દિવસમાં સાત બાળકોના રહસ્યમય રોગથી મોત થયા છે. આ ઘટનાએ વહીવટીતંત્રના કાન ઉંચા કર્યા છે. આ મૃત્યુ 9 થી 13 એપ્રિલની વચ્ચે થયા છે. આ બાળકોને  તાવ, આંચકી, ઝાડા અને ઉલ્ટીની ફરિયાદ કરી હતી. સાતમાંથી બે બાળકો ઝુપડપટ્ટીના રહેવાસી હતા.


બાળકે ઉલ્ટી કરી અને બાદમાં મોત થયું 
જોઈન્ટ ડાયરેક્ટર જગેશ્વર પ્રસાદે જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા બાળકોની ઉંમર 2 થી 14 વર્ષની વચ્ચે હતી અને તે બધા અલગ-અલગ પરિવારના હતા. તેમણે કહ્યું કે અમે બાળકોના મોતનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ તેની પાછળ વાઇરલ બિમારી હોઇ શકે તેવી અટકળો છે.


જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે બ્લડ સેમ્પલનો રિપોર્ટ આવે તે પહેલા કંઈપણ દાવો કરી શકાય નહીં. જોઈન્ટ ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર તમામ મૃત્યુ એક જ દિવસમાં થયા છે. પોતાના પાંચ વર્ષના બાળકને ગુમાવનાર એક મહિલાએ જણાવ્યું કે તેનો પુત્ર સવારે પાંચ વાગ્યે જાગી ગયો હતો. તેણે પાણી માંગ્યું અને પછી ઉલ્ટી થવા લાગી. આઠ વાગ્યે તેનું અવસાન થયું.


300 ઘરોનો સર્વે કરવામાં આવ્યો 
જોઈન્ટ ડાયરેક્ટરે કહ્યું કે મૃત્યુ પામેલા સાત બાળકોમાંથી ત્રણે સ્થાનિક આઈસ્ક્રીમ ખાધો હતો. અહીં ફૂડ પોઈઝનિંગનો કેસ હોઈ શકે છે. પરંતુ આ પણ એટલી ઝડપથી પ્રતિક્રિયા આપે  નહીં કે તે એક દિવસમાં બાળકનું મૃત્યુ થાય. એવી શંકા છે કે અન્ય બે બાળકોએ પણ આ જ આઈસ્ક્રીમ ખાધો હતો, પરંતુ કોઈએ તેમને ખાતા જોયા નહોતા. તેમણે કહ્યું કે જયપુર અને જોધપુર મેડિકલ કોલેજની ટીમો વિસ્તારમાં પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે અમે આ વિસ્તાર પર સતત નજર રાખી રહ્યા છીએ. લગભગ 300 ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે અને 58 સેમ્પલ જયપુરની લેબમાં મોકલવામાં આવ્યા છે.