Shahid Afridi On Yasin Malik: પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી (Shahid Afridi) કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકના (Yasin Malik) સમર્થનમાં આવ્યો છે. જણાવી દઈએ કે, યાસીન મલિકની સજા પર આજે NIAની વિશેષ અદાલતમાં દલિલો પૂર્ણ થઈ ગઈ અને કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે સજાનું એલાન કર્યું તે પહેલાં આફ્રિદીએ યાસીન મલિકના સમર્થનમાં એક ટ્વીટ કર્યું હતું. જો કે, ભારતીય ક્રિકેટર અમિત મિશ્રાએ આફ્રિદીને જડબાતોડ જવાબ આપ્યો છે.
શાહિદ આફ્રિદીએ ટ્વીટર પર લખ્યું કે, "ભારત માનવાધિકારોના હનન સામે અવાજ ઉઠાવતા લોકોને ચુપ કરવાની કોશિશ કરી રહ્યું છે. જો કે એ વ્યર્થ છે. યાસીન મલિક પર લગાવાયેલ ખોટા આરોપ કાશ્મીરની આઝાદીના સંઘર્ષને રોકી નહી શકે. હું સંયુક્ત રાષ્ટ્રને આગ્રહ કરું છું કે, તે કાશ્મીરના નેતાઓ સામે આવા ખોટા કેસોને ધ્યાનમાં લે."
આફ્રિદીના આ ટ્વીટ પર ભારતના લેગ સ્પિનર અમિત મિશ્રાએ પ્રતિક્રિયા આપતાં આફ્રિદીને જડબાતોડ જવાબ આપ્યો હતો. અમિત મિશ્રાએ લખ્યું કે, પ્રિય શાહિદ આફ્રિદી તેણે (યાસીન મલિકે) કોર્ટ રુમમાં જાતે ગુનો કબુલ કરી લીધો છે. તમારી જન્મ તારીખની જેમ બધું ખોટું ના હોઈ શકે.
Yasin Malik Terror Funding Case: આજે કાશ્મીરી અલગાવવાદી નેતા યાસીન મલિકના (Yasin Malik) સામે થયેલા ટેરર ફંડિંગ કેસમાં NIAની વિશેષ અદાલતમાં સજાનું એલાન કરવામાં આવ્યું હતું. NIAની વિશેષ અદાલતે યાસિન મલિકને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ પહેલાં કોર્ટે યાસીન મલિકને આતંકવાદીઓને ફંડ આપવાના કેસમાં ગુનેગાર ઠેરવ્યો હતો.
કોર્ટેમાં સજાના એલાન માટે થયેલી ચર્ચા દરમિયાન યાસીન મલિકે કોર્ટને કહ્યું કે, હું તમારી સામે કોઈ ભીખ નહી માંગુ તમને જે યોગ્ય છે તે પ્રમાણે સજા આપો. ત્યારે હવે કોર્ટે યાસીન મલિકને આજીવન કારાવાસની સજા સંભળાવી છે.