Shankaracharya Avimukteshwaranand news: વારાણસીમાં મહાનગર પાલિકા દ્વારા મઠ અને મંદિરોને નોટિસ ફટકારવાના મુદ્દે હવે ધર્મગુરુઓ અને સરકાર વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ (Shankaracharya Avimukteshwaranand) સરસ્વતીએ આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કાશીમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે સત્તાધીશોની સરખામણી પૌરાણિક રાક્ષસ 'ભસ્માસુર' સાથે કરીને વિવાદનો મધપૂડો છેડ્યો છે.

Continues below advertisement

"ભસ્માસુરનો આશીર્વાદ અને પરિણામ" 

શંકરાચાર્યએ ખૂબ જ તીખા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "જો તમે ભસ્માસુરને આશીર્વાદ આપશો, તો તેનું ફળ તો ભોગવવું જ પડશે." તેમણે કટાક્ષ કરતા કહ્યું કે જેમ ભગવાન શિવના આશીર્વાદથી શક્તિશાળી બનેલો ભસ્માસુર ખુદ શિવજીને જ ભસ્મ કરવા દોડ્યો હતો, તેવી જ સ્થિતિ અત્યારે મઠ અને મંદિરોની છે. જેમના આશીર્વાદ અને સમર્થનથી લોકો સત્તામાં આવ્યા છે, આજે તેઓ જ 'ભસ્માસુર' બનીને મઠો અને મંદિરોને નોટિસ મોકલી રહ્યા છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે સનાતની સમાજ અને સંતો એકજૂથ છે અને અન્યાય સાંખી લેવામાં આવશે નહીં.

Continues below advertisement

દિલ્હીમાં સંતોની મોટી મહાસભા

સરકારના આ વલણ સામે રણનીતિ ઘડવા માટે શંકરાચાર્યએ એક મોટી જાહેરાત કરી છે. આગામી ૧૦ અને ૧૧ માર્ચ ના રોજ દિલ્હીમાં સંતો અને ઋષિઓની એક વિશાળ પરિષદ બોલાવવામાં આવી છે. શંકરાચાર્યએ કહ્યું કે, "જેમ રાજકીય પક્ષો ટેકો પાછો ખેંચવાની વાત કરે છે, તેમ હવે સંતોએ પણ વિચારવાનો સમય પાકી ગયો છે કે આ સત્તાધીશો પર આશીર્વાદ કાયમ રાખવા કે પાછા ખેંચી લેવા."

'તીર્થ' શબ્દ અને બાંકે બિહારી મંદિર વિવાદ 

મનરેગા જેવી સરકારી યોજનાઓમાં કે પ્રધાનમંત્રી કાર્યાલય સાથે 'તીર્થ' (Teerth) શબ્દ જોડવા સામે પણ શંકરાચાર્યએ વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે અમને યોજનાઓ સામે વાંધો નથી, પરંતુ પવિત્ર 'તીર્થ' શબ્દનો ઉપયોગ સરકારી કચેરીઓ માટે ન થવો જોઈએ.

વૃંદાવનના પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિર (Banke Bihari Temple) માં બાલ ભોગમાં થયેલા વિલંબ અંગે પણ તેમણે સરકારને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે જ્યારે ધાર્મિક સ્થળોનો વહીવટ સરકારી બાબુઓના હાથમાં સોંપવામાં આવે છે, ત્યારે આવું જ થાય છે. અધિકારીઓ 'ધર્મનિરપેક્ષ' હોય છે અને તેમને વિધિ-વિધાન કે પરંપરાનું જ્ઞાન હોતું નથી. જો મંદિરો સરકાર હસ્તક રહેશે તો આવી ભૂલો રોજ થશે અને પરંપરાઓ તૂટતી રહેશે. તેમણે માંગ કરી હતી કે ધાર્મિક સ્થળોનું સંચાલન માત્ર ધાર્મિક લોકોના હાથમાં જ હોવું જોઈએ.