Shankaracharya Avimukteshwaranand statement: જ્યોતિષ્પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મેરઠ ખાતે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા તેમણે જાહેરાત કરી છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ગૌરક્ષકો યુપીની તમામ 403 બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે સરકાર સંતોના આશીર્વાદથી ચાલે છે પણ ગૌહત્યા રોકવામાં નિષ્ફળ છે, તેના પર હવે પુનર્વિચાર કરવાનો સમય પાકી ગયો છે. આ ઉપરાંત તેમણે PMO નું નામ બદલવા અને ઘૂસણખોરી જેવા મુદ્દે પણ સરકારને આડે હાથ લીધી હતી.
ગૌરક્ષકો લડશે ચૂંટણી: દિલ્હીમાં ઘડાશે રણનીતિ
મેરઠ પહોંચેલા જગદગુરુ શંકરાચાર્યએ મીડિયા સાથે વાતચીત કરતા આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાની યોજના જાહેર કરી હતી. તેમણે કહ્યું કે ગાયોની રક્ષા માટે હવે સંત સમાજે આગળ આવવું પડશે. આ ઉદ્દેશ્ય સાથે ઉત્તર પ્રદેશની તમામ 403 વિધાનસભા બેઠકો પર અને પશ્ચિમ બંગાળમાં પણ ગૌરક્ષકોને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે. આ અંગેની ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે આગામી 10 અને 11 માર્ચે દિલ્હીમાં સંતોનું એક મહાસમેલન બોલાવવામાં આવ્યું છે.
‘ગૌહત્યા બંધ નહીં થાય તો આશીર્વાદ પાછા ખેંચાશે’
સરકાર પર આકરા પ્રહારો કરતા શંકરાચાર્યએ કહ્યું હતું કે, "કોઈપણ સત્તા ઋષિ-મુનિઓના આશીર્વાદથી ટકેલી હોય છે. પરંતુ જો તે સરકાર ગૌહત્યા જેવા ગંભીર મુદ્દે આંખ આડા કાન કરે, તો સંતોએ પોતાના આશીર્વાદ ચાલુ રાખવા કે કેમ તે અંગે ફેરવિચારણા કરવી પડશે." તેમણે કટાક્ષ કરતા કહ્યું કે માત્ર હિન્દુ રાષ્ટ્રની વાતો કરવાથી કઈ નહીં થાય, પહેલા વર્તમાન સ્થિતિમાં સાચા અને યોગ્ય હિન્દુ બનવું જરૂરી છે.
'સેવા તીર્થ' નામ સામે ઉગ્ર વિરોધ
વડાપ્રધાન કાર્યાલય (PMO) નું નામ બદલીને 'સેવા તીર્થ' કરવાના પ્રસ્તાવ પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે તર્ક આપ્યો હતો કે, "તીર્થ તો એને કહેવાય જ્યાં પાપો ધોવાતા હોય. વડાપ્રધાન નિવાસસ્થાને એવું કયું પવિત્ર જળ છે? ત્યાં લોકો ચામડાના બૂટ-ચંપલ પહેરીને જાય છે અને માંસાહાર પણ થાય છે. તેથી ત્યાં 'તીર્થ' શબ્દનો ઉપયોગ અયોગ્ય છે." તેમણે ચીમકી આપી હતી કે જો આ નામ રાખવામાં આવશે તો જરૂર પડ્યે તેઓ આંદોલન કરશે અને કોર્ટના દરવાજા પણ ખખડાવશે.
ભાજપ-કોંગ્રેસ અને ઘૂસણખોરી પર નિશાન
રાજકીય પક્ષોની ઝાટકણી કાઢતા તેમણે ભાજપ અને કોંગ્રેસના સંબંધોને 'પતિ-પત્ની' જેવા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે બંને પક્ષો એકબીજાના કામોમાં માત્ર વિરોધ કે મજબૂરીનો ટેકો જ શોધે છે. ઘૂસણખોરી મુદ્દે સરકારને સવાલ કરતા તેમણે કહ્યું કે, "તમારા 20 વર્ષના શાસનમાં તમે ઘૂસણખોરોને અંદર આવવા દીધા અને હવે તેમને બહાર કાઢવાના નામે વોટ માંગો છો? આ જનતાને મૂર્ખ બનાવવાની વાત છે."
બાબરી મસ્જિદ અને SIR મુદ્દે સ્પષ્ટતા
અન્ય મુદ્દાઓ પર વાત કરતા તેમણે 'SIR' (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) અથવા મતદાર યાદી સુધારણાને યોગ્ય ગણાવી હતી. જ્યારે મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ બનાવવાના પ્રસ્તાવ પર તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આક્રમણખોર બાબરના નામ પર કોઈપણ મસ્જિદનું નિર્માણ અસ્વીકાર્ય છે.