Maha Kumbh 2025 Prayagraj: જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ મહાકુંભની વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા અને કોઈને ઠપકો આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયો કોલ પર વાતચીત દરમિયાન શંકરાચાર્યએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઠપકો આપે છે. આ વીડિયોને લઈને અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેનું સત્ય શું છે? શું શંકરાચાર્યએ ખરેખર સીએમ યોગીને ફટકાર લગાવી છે?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં શંકરાચાર્ય કહેતા જોવા મળી રહ્યા છે, "તમે કહી રહ્યા હતા કે મેં પૂરી વ્યવસ્થા કરી છે. તમે કહી રહ્યા હતા કે 40 કરોડ લોકો આવવાના છે અને મેં 100 કરોડની વ્યવસ્થા કરી છે." તેમની વાતના સંદર્ભમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મહાકુંભમાં નાસભાગની ઘટનાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફટકાર લગાવી છે. દાવો કરવામાં આવે છે કે આ ઘટના બાદ શંકરાચાર્યએ સીએમ યોગીને વીડિયો કોલ પર ઠપકો આપ્યો હતો.
શંકરાચાર્યના વાયરલ વીડિયો પાછળનું સત્ય
પરંતુ તેનું સત્ય કંઈક બીજું છે. ખરેખર, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આ વીડિયો એક ગુજરાતી પત્રકારને આપેલા ઈન્ટરવ્યુનો છે. એટલે કે વીડિયો કોલ પર શંકરાચાર્ય સીએમ યોગી સાથે નહીં પરંતુ એક ગુજરાતી પત્રકાર સાથે વાત કરી રહ્યા હતા, આ વીડિયો 3 ફેબ્રુઆરી 2025ના રોજ જમાવટ નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. ચેનલ એન્કર દિવાંશી જોશીએ શંકરાચાર્યનો વીડિયો કોલ પર ઇન્ટરવ્યુ લીધો હતું. જેમાં શંકરાચાર્યે આ બધી વાતો કહી હતી.
જ્યારે ચેનલના એન્કરે શંકરાચાર્યને મહાકુંભમાં થયેલા નાસભાગમાં થયેલા મૃત્યુ અંગે પ્રશ્ન પૂછ્યો તો શંકરાચાર્યએ તેનો જવાબ આપતાં આ બધી વાતો કહી. ચેનલ એન્કર દિવંશી જોશી અને શંકરાચાર્યના શિષ્ય વિપિન દવે, જે વીડિયોમાં ફોન હાથમાં રાખેલા જોવા મળે છે, બંનેએ આ વાતની પુષ્ટિ કરી છે. સ્પષ્ટ છે કે, શંકરાચાર્યનો આ વીડિયો એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુનો ભાગ છે. તેમણે સીએમ યોગી સાથે વીડિયો કોલ પર વાત કરી નથી. તેમનો વીડિયો સીએમ યોગી સાથે સંબંધિત હોવાનું કહીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે.