રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર બુધવારે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બેઠક દરમિયાન શરદ પવારે પીએમ મોદી સામે શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉત વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.


શરદ પવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, "મેં  સંજય રાઉતની મિલકતો જપ્ત કરવાનો મામલો વડાપ્રધાનના ધ્યાન પર મુક્યો. જો કોઈ કેન્દ્રીય એજન્સી આવું પગલું ભરશે તો તેણે તેની જવાબદારી લેવી પડશે. આ કાર્યવાહી તેમના  વિરૂદ્ધ કરવામાં આવી હતી. કારણ કે તે સરકાર વિરુદ્ધ બોલે છે?”  શરદ પવારે કહ્યું, "વડાપ્રધાને કોઈ જવાબ આપ્યો નથી. મને આશા પણ નહોતી કે તેઓ કોઈ જવાબ આપશે. મેં માત્ર મારી વાત તેમની રાખી છે."


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેટલાક જમીન સોદા સંબંધિત મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની અને તેના બે સહયોગીઓની રૂ. 11.15 કરોડથી વધુની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જપ્ત કરેલી મિલકતો પાલઘર અને થાણેમાં પ્લોટના સ્વરૂપમાં છે, જેના પર ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રવીણ એમ રાઉતનો કબજો છે.


આ ઉપરાંત, સંજય રાઉતની પત્ની વર્ષા રાઉત પાસે દાદર, મુંબઈમાં એક ફ્લેટ અને અલીબાગના કિહિમ બીચ પર આઠ પ્લોટ છે, જે વર્ષા રાઉત અને સ્વપ્ના પાટકરની સંયુક્ત માલિકી છે. સ્વપ્ના પાટકર સુજીત પાટકરની પત્ની છે. ED અનુસાર, સુજીત પાટકર શિવસેનાના રાજ્યસભા સભ્ય અને પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતના નજીકના સહયોગી છે.


EDની આ કાર્યવાહી બાદથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. સંજય રાઉત દ્વારા કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરવામાં આવી રહ્યા છે. સંજય રાઉતે એબીપી ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું કે સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મંગળવારે EDએ સંજય રાઉત અને તેમના પરિવારના સભ્યોના અલીબાગના આઠ પ્લોટ અને મુંબઈમાં દાદરમાં એક ફ્લેટ જપ્ત કર્યો હતો.