Shashi Tharoor: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે અમેરિકાના રાજકારણના એક કિસ્સાને ટાંકીને ભારતીય રાજનેતાઓ અને ખાસ કરીને પોતાના પક્ષને એક ગર્ભિત સલાહ આપી છે. શનિવારે (22 November) તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાની વચ્ચે વ્હાઇટ હાઉસમાં યોજાયેલી મુલાકાતની પ્રશંસા કરી હતી. થરૂરે કહ્યું કે ચૂંટણી પહેલા એકબીજાના કટ્ટર વિરોધી હોવા છતાં, પરિણામો બાદ રાષ્ટ્રહિતમાં સાથે મળીને કામ કરવું એ જ સાચી લોકશાહી છે. થરૂરે ઈચ્છા વ્યક્ત કરી છે કે ભારતમાં પણ સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે આવા જ પરિપક્વ સંબંધો વિકસવા જોઈએ.

Continues below advertisement

ચૂંટણી પછી દુશ્મનાવટ ભૂલીને 'સહયોગ'નો મંત્ર

ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજા પર આકરા પ્રહારો કરનાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝોહરાન મમદાની શુક્રવારે વ્હાઇટ હાઉસમાં મળ્યા ત્યારે દ્રશ્ય તદ્દન અલગ હતું. આ મુલાકાતનો વીડિયો શેર કરતા શશિ થરૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "ચૂંટણીમાં તમારા વિચારો અને સિદ્ધાંતો માટે પૂરા ઉત્સાહ અને જુસ્સાથી લડો. પરંતુ એકવાર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય અને જનતાનો ચુકાદો આવી જાય, ત્યારે રાષ્ટ્રીય હિતમાં એકબીજા સાથે સહયોગ કરવાનું શીખો." થરૂરે સ્પષ્ટ કર્યું કે બંને નેતાઓએ જનસેવા માટે જે પ્રતિબદ્ધતા દર્શાવી છે, તેવા જ સમીકરણો તેઓ ભારતીય રાજકારણમાં પણ જોવા માંગે છે.

Continues below advertisement

ટ્રમ્પ અને મમદાની વચ્ચેની રસપ્રદ વાતચીત

આ બેઠકમાં કટુતાને બદલે સન્માન જોવા મળ્યું હતું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક નેતા મમદાનીની પ્રશંસા કરતા કહ્યું કે, "આ બેઠક ખૂબ જ ફળદાયી રહી છે અને મને વિશ્વાસ છે કે ન્યૂયોર્કને એક શ્રેષ્ઠ મેયર મળશે." તેમણે એમ પણ ઉમેર્યું કે મમદાની સારું કામ કરશે અને તેમના કામથી રૂઢિચુસ્તો (Conservatives) પણ આશ્ચર્યચકિત થઈ જશે.

આ દરમિયાન એક હળવી પળ પણ જોવા મળી હતી. જ્યારે એક પત્રકારે મમદાનીને પૂછ્યું કે શું તેઓ હજુ પણ ટ્રમ્પને 'ફાશીવાદી' માને છે? ત્યારે ટ્રમ્પે મજાકમાં કહ્યું કે મેયર માત્ર "હા" કહી શકે છે. ટ્રમ્પે હસીને ઉમેર્યું, "તે ઠીક છે. ખુલાસો આપવા કરતા 'હા' કહેવું સરળ છે, મને તેનાથી કોઈ વાંધો નથી." આ ઘટના દર્શાવે છે કે લોકશાહીમાં મતભેદો હોવા છતાં મનભેદ રાખ્યા વિના આગળ વધી શકાય છે.

થરૂરનું વલણ અને કોંગ્રેસમાં અસંતોષ

શશિ થરૂરનું આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે તેઓ વારંવાર પક્ષની વિચારધારાથી અલગ જઈને વિરોધી પક્ષ (ભાજપ) ના નેતાઓના સારા કાર્યોની પ્રશંસા કરતા જોવા મળ્યા છે. તાજેતરમાં જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'રામનાથ ગોયેન્કા વ્યાખ્યાન'ના વખાણ કર્યા હતા. તાવ અને બીમારી હોવા છતાં થરૂર તે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને પીએમના ભાષણને આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ ગણાવ્યું હતું.

થરૂરના આવા વલણને કારણે કોંગ્રેસમાં આંતરિક અસંતોષ પણ જોવા મળે છે. સંદીપ દીક્ષિત જેવા નેતાઓએ તેમને 'દંભી' કહ્યા હતા, જ્યારે સુપ્રિયા શ્રીનાતે એ પણ કહ્યું હતું કે તેમને પીએમના ભાષણમાં પ્રશંસા કરવા જેવું કશું જ લાગ્યું ન હતું. આમ, ટ્રમ્પ-મમદાનીના બહાને થરૂરે ફરી એકવાર પોતાની પાર્ટીને 'વિરોધ ખાતર વિરોધ' ન કરવાની શીખ આપી હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે.