Shashi Tharoor praises PM Modi: દિલ્હીમાં આયોજિત રામનાથ ગોએન્કા વ્યાખ્યાન દરમિયાન એક રસપ્રદ રાજકીય દ્રશ્ય જોવા મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં 'ગુલામીની માનસિકતા' માટે કોંગ્રેસ અને થોમસ મેકોલેની વિચારધારા પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, નવાઈની વાત એ છે કે પ્રેક્ષકોમાં બેઠેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂરે પીએમ મોદીના આ સંબોધનની પ્રશંસા કરી છે. થરૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે પીએમ મોદીએ ભારતને માત્ર એક બજાર નહીં, પરંતુ વિશ્વ માટે એક 'મોડેલ' ગણાવ્યું તે વાત કાબિલેદાદ છે.
શશી થરૂરે પીએમના વખાણ કેમ કર્યા?તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ શશી થરૂરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પોતાના અનુભવો વર્ણવ્યા હતા. થરૂરે લખ્યું, "વડાપ્રધાન મોદી પર સામાન્ય રીતે હંમેશા 'ચૂંટણીના મૂડ'માં હોવાનો આરોપ મૂકવામાં આવે છે, પરંતુ આજે તેઓ ખરેખર લોકોની સમસ્યાઓને સંબોધવા માટે 'ભાવનાત્મક મૂડ'માં જણાયા હતા." થરૂરના મતે, પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે ભારત હવે માત્ર એક ઉભરતું બજાર (Emerging Market) નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ઉભરતું મોડેલ છે.
10 વર્ષનો રાષ્ટ્રીય એજન્ડા અને મેકોલે
શશી થરૂરે પીએમના ભાષણના મુખ્ય અંશો ટાંકતા કહ્યું કે, ભાષણનો એક મહત્વપૂર્ણ ભાગ થોમસ મેકોલેના 200 વર્ષ જૂના ગુલામીના વારસાને ઉલટાવી દેવા પર કેન્દ્રિત હતો. પીએમ મોદીએ ભારતના ભવ્ય વારસા, ભાષાઓ અને શિક્ષણ પ્રણાલીમાં ફરીથી ગૌરવ પુનઃસ્થાપિત કરવા માટે આગામી 10 વર્ષના 'રાષ્ટ્રીય મિશન'નું આહ્વાન કર્યું છે. થરૂરે કહ્યું કે આ ભાષણ આર્થિક વિઝન અને સાંસ્કૃતિક જાગૃતિ બંનેનું સંયોજન હતું, જેમાં રાષ્ટ્રને પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહેવાની અપીલ કરવામાં આવી હતી.
થરૂરની ટકોર અને અનુભવ
પીએમના વખાણ કરવાની સાથે થરૂરે એક ટકોર પણ કરી હતી. તેમણે લખ્યું, "હું ઈચ્છતો હતો કે પીએમ એ વાતનો પણ સ્વીકાર કરે કે રામનાથ ગોએન્કાએ ભારતીય રાષ્ટ્રવાદને વેગ આપવા માટે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કેવી રીતે કર્યો હતો." અંતમાં તેમણે કહ્યું કે, દિલ્હીની કડકડતી ઠંડી સામે લડવા છતાં, તેમને શ્રોતાગણમાં બેસીને પીએમને સાંભળવાનો આનંદ આવ્યો.
પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર
ઉલ્લેખનીય છે કે, પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કોંગ્રેસ પર થોમસ બેબિંગ્ટન મેકોલેની વિચારધારાને પોષવાનો આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, "મેકોલે ભારતની મૂળ શિક્ષણ પ્રણાલીનો નાશ કરવાના ઈરાદે આવ્યા હતા અને તેમાં સફળ પણ થયા. તેમણે તે યુગમાં બ્રિટિશ ભાષા અને વિચારસરણીને સ્થાપિત કરી, જેના દુષ્પરિણામો ભારતે સદીઓ સુધી ભોગવવા પડ્યા છે."