Maharashtra politics: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. શિવસેના (UBT)ના સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં જોડાવાના અહેવાલો વચ્ચે ઉદ્ધવ ઠાકરે ગુસ્સે થયા છે અને શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે શિંદે જૂથને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું છે કે જો તેઓ ખરેખર ‘મર્દના દીકરા’ હોય તો ED, CBI અને પોલીસનો સહારો લીધા વિના તેમની સામે આવીને લડે. આ સાથે જ શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે પણ ભાજપ અને શિવસેના પર આકરા પ્રહારો કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના કેટલાક સાંસદો એકનાથ શિંદે જૂથમાં જોડાવાના અહેવાલોને સખત શબ્દોમાં ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, "જો તમે (એકનાથ શિંદે અને ભાજપ) 'મર્દ કી ઔલાદ' (પુરુષોના બાળકો) છો, તો ED, CBI, આવકવેરા અને પોલીસને બાજુ પર મૂકો અને અમારી સાથે ખુલ્લી રીતે મેદાનમાં લડો. હું તમને બતાવીશ કે જો તમે શિવસેનાને તોડવાનો પ્રયાસ કરશો તો શું થશે." ઉદ્ધવ ઠાકરેના આક્રોશપૂર્ણ શબ્દોએ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.
ઉદ્ધવ ઠાકરેએ શિવસેના (UBT)ના સાત સાંસદો શિંદે જૂથમાં જોડાવાના દાવાઓને પડકારતા કહ્યું હતું કે, "હું તેમને ચેલેન્જ આપું છું કે સરકારી મશીનરીને બાજુ પર રાખીને શિવસેનાનો એક પણ સભ્ય તોડીને બતાવે." તેમણે મહાયુતિ સરકાર પર છેતરપિંડીથી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો. ઠાકરેએ કહ્યું કે ચૂંટણીમાં નકલી મતદારો બનાવવામાં આવ્યા હતા અને લાખો નવા મતદારો ઉમેરવામાં આવ્યા હતા, જેની તપાસ થવી જોઈએ. તેમણે હિંદુત્વના મુદ્દે શિંદે જૂથ અને ભાજપને ઘેરતા કહ્યું કે જો તેઓ હિંદુત્વનો બુરખો પહેરીને હિંદુત્વનું સન્માન નહીં કરે, તો તેઓ અસલી હિંદુત્વ શું છે તે બતાવી દેશે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)નો ઉલ્લેખ કરતા ઉદ્ધવ ઠાકરેએ શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ પર મુંબઈ અને મહારાષ્ટ્રને આર્થિક રીતે પાયમાલ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે BMCને લૂંટવાનો અને વિખેરી નાખવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે બેંકમાં પૈસા રાખવાથી વિકાસ નથી થતો, તો BMCના પૈસા કોન્ટ્રાક્ટરોના ખિસ્સામાં નાખવાથી વિકાસ કેવી રીતે થશે?
સંજય રાઉતે પણ ભાજપ અને શિવસેના (શિંદે જૂથ) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાગરાજ કુંભ સ્નાન પર વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે વડાપ્રધાને પૂરા કપડાં પહેરીને ગંગામાં સ્નાન કર્યું અને બતાવ્યું કે આ આપણી હિન્દુ સંસ્કૃતિ છે. રાઉતે શિવસેના (UBT)માં ભાગલાની અટકળોને રદિયો આપતા કહ્યું કે આજે સવારે અરવિંદ સાવંતે તમામ સાંસદોને તેમના ઘરે બોલાવ્યા હતા અને બધા સાંસદોએ શિવસેના સાથે પોતાની વફાદારી દર્શાવી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોને પડકારતા સંજય રાઉતે કહ્યું કે શિંદે જૂથ અને ભાજપે લાખો નવા મતદારો ઉમેરીને ચૂંટણી જીતી છે. તેમણે શિંદે જૂથને 'અફઝલ ખાનના સંતાનો' ગણાવ્યા હતા અને તેમની પીઠમાં ખંજર મારવાનું કામ કર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. રાઉતે કહ્યું કે તેઓ આ મામલે સુપ્રીમ કોર્ટમાં જશે અને કાયદાકીય લડત લડશે.
ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતના આક્રમક નિવેદનોથી મહારાષ્ટ્રનું રાજકારણ ફરીથી ગરમાયું છે. શિવસેના (UBT) પોતાના સાંસદોને બચાવવા અને શિંદે જૂથ તથા ભાજપના પડકારોનો સામનો કરવા માટે સજ્જ થઈ રહી છે.
આ પણ વાંચો....