ભારતીય રેલવેમાં બીમારીમાં પણ રજા ન મળવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લખનઉ રેલવે ડિવિઝનમાં આ ઘટના બની છે, જ્યાં એક લોકો પાયલટને પાઇલ્સની સર્જરી કરાવ્યા પછી પણ સિક લીવ આપવામાં આવી નહોતી. એવો આરોપ છે કે સિક લીવ ના આપવાથી હતાશ થઈને લોકો પાયલટ રાજેશ મીણાએ એક વરિષ્ઠ અધિકારીની સામે પોતાનું પેન્ટ કાઢી નાખ્યું અને તેમને ઓપરેશનના ઘા બતાવ્યા હતા. .
શું છે આખો મામલો?
આ ઘટનાનો એક વીડિયો રેલવે કર્મચારીઓના વોટ્સએપ ગ્રુપ પર વાયરલ થયો છે, જેના કારણે કર્મચારી સંગઠનોએ તેને અમાનવીય વર્તન ગણાવીને તેની નિંદા કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન (AILRSA) ના નેતાઓ કહે છે કે રાજેશ મીણા અનુસૂચિત જનજાતિ સમુદાયના છે. રાજેશની 22 ફેબ્રુઆરી, 2026 ના રોજ લખનઉમાં પાઇલ્સની સર્જરી થઈ હતી. તેમને 22 થી 28 ફેબ્રુઆરી સુધી રજા આપવામાં આવી હતી, પરંતુ ઘા સંપૂર્ણપણે રૂઝાયા ન હોવાથી, તેમણે નિર્ધારિત પ્રક્રિયા મુજબ રેલવે હેલ્થ યુનિટ પાસેથી રજા લંબાવવાની વિનંતી કરી હતી.
તેમને તેમના ઘા બતાવવાની ફરજ પડી હતી.
યુનિયનના જણાવ્યા મુજબ, તેમની તપાસ કર્યા પછી ડૉક્ટર સંમત થયા કે રજા લંબાવવી જરૂરી છે અને તેમને વરિષ્ઠ અધિકારીઓ પાસેથી બીમારીની રજાનો મેમો લાવવા કહ્યું હતુ. રાજેશ મીણાએ પહેલા ક્રૂ કંટ્રોલર અને પછી ચીફ ક્રૂ કંટ્રોલર (સીસીસી) રતન કુમારનો સંપર્ક કર્યો. યુનિયનનો આરોપ છે કે મીણાએ તેમના તબીબી દસ્તાવેજો, લેબ રિપોર્ટ અને ડ્રેસિંગ રજૂ કર્યા, પરંતુ તેમને રજા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો. અંતે તેમના ઘા બતાવવા માટે તેમના કપડાં ઉતારવાની ફરજ પાડવામાં આવી અને યુનિયનના નેતાના હસ્તક્ષેપ પછી તેમને આરામની રજા આપવામાં આવી હતી.
યુનિયને નારાજગી વ્યક્ત કરી હતી
આ ઘટના અંગે AILRSAના જનરલ સેક્રેટરી કેસી જેમ્સે કહ્યું કે તે ખૂબ જ શરમજનક છે કે એક લોકો પાયલટને મેડિકલ લીવ માટે આટલી હદ સુધી જવું પડે છે. તેમણે સંબંધિત રેલ્વે અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટના બાદ રેલવે કર્મચારીઓમાં ગુસ્સો છે અને વહીવટીતંત્ર પાસેથી જવાબદારીની માંગ કરવામાં આવી છે.
