Delhi Police Obtains Lawrence Bishnoi Custody: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે અગાઉના કેસમાં 5 દિવસ માટે લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી મેળવી છે. હાલ લોરેન્સ બિશ્નોઈ તિહાડ જેલમાં બંધ છે. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના કેસમાં હવે સ્પેશિયલ સેલ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવામાં આવશે. સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે, કાલા જાથેડી અને કાલા રાણાની પણ પૂછપરછ કરવામાં આવશે.


તમને જણાવી દઈએ કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પોતાની સુરક્ષા માટે અપીલ કરી છે. હાઈકોર્ટમાં વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે જો પંજાબ પોલીસ પ્રોડક્શન વોરંટ લગાવીને બિશ્નોઈની કસ્ટડી લે છે તો લોરેન્સ બિશ્નોઈના જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. હાઈકોર્ટ બુધવારે સુનાવણી માટે તૈયાર છે.


NIA કોર્ટ બાદ હાઈકોર્ટમાં અરજી કરાઈઃ
આ પહેલાં સોમવારે પટિયાલા હાઉસની NIA કોર્ટમાં બિશ્નોઈ વતી અરજી કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે કોઈ આદેશ આપ્યો ન હતો કારણ કે, કોર્ટ સમક્ષ બિશ્નોઈ માટે પંજાબ તરફથી કોઈ પ્રોડક્શન વોરંટની માંગ કરવામાં આવી ન હતી. જે બાદ તેણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.


લૉરેન્સ બિશ્નોઈ ગેંગે મુસેવાલાની હત્યાની જવાબદારી લીધીઃ
ઉલ્લેખનીય છે કે, પંજાબના માનસા જિલ્લામાં રવિવારે પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુસેવાલા કોંગ્રેસના નેતા હતા. તેમના વતન મુસામાં આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. સિદ્ધુ મુસેવાલા ભણવા માટે કેનેડા ગયા હતા, ત્યારપછી જ્યારે તેઓ પંજાબ પરત ફર્યા તો તેઓ ગાયક તરીકે પાછા ફર્યા. સિદ્ધુ મુસેવાલા પણ ઘણા વિવાદો સાથે જોડાયેલા હતા. પંજાબ સરકારે સિદ્ધુ મૂઝવાલાની સુરક્ષા પાછી ખેંચી લીધાના એક દિવસ બાદ તેમની હત્યા કરવામાં આવી હતી.