Manish Sisodia'Bail application : દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના જામીન અને રિમાન્ડ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મનીષ સિસોદિયાના કોર્ટે જામીન ફગાવ્યા છે. કેપિટલની રાઉઝ એવન્યુ કોર્ટે આ મામલાની સુનાવણી માટે આગામી તારીખ 21 માર્ચ મુકરર કરી છે. જેથી હાલ તો સિસોદિયાએ 21 માર્ચ સુધી CBI કસ્ટડીમાં રહેવું પડશે. બીજી તરફ કોર્ટ ટુંક સમયમાં ED રિમાન્ડ અંગે પોતાનો ચુકાદો આપશે. અત્યાર સુધી દિલ્હી દારૂ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહનું નામ નહોતું આવતું, પરંતુ હવે EDએ આ બંને નેતાઓના નામ કોર્ટમાં લઈ લીધા છે. ઇડીએ કહ્યું હતું કે, બંનેને પણ આ મામલાની સંપૂર્ણ જાણકારી હતી અને તેમની સંમતિ પણ હતી. EDની ટીમે શુક્રવારે બપોરે સિસોદિયાને કોર્ટમાં રજૂ કર્યા હતા.


EDએ કહ્યું હતું કે, આ વ્યવસ્થા પાછળથી કરવામાં આવી હતી. ઈડીએ પોતાની દલીલમાં કહ્યું હતું કે, જો કે આ નિર્ણય મંત્રીઓના સમૂહ દ્વારા જણાવવામાં આવ્યો છે, પરંતુ હકીકત એ છે કે એક વ્યક્તિ સિવાય અન્ય કોઈને તેની જાણ ન હતી.કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરતા ઈડીએ કહ્યું હતું કે, સમગ્ર સિન્ડિકેટનું નેતૃત્વ વિજય નાયર દ્વારા કરવામાં આવ્યું હતું. કવિતા વિજય નાયરને જ મળી હતી. આ સંદર્ભમાં ઇડીએ કે કવિતા અને વિજય નાયર વચ્ચેની વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ રજૂ કર્યો છે.


કોર્ટમાં દલીલ રજૂ કરતાં EDએ કહ્યું હતું કે, આ બધું મનીષ સિસોદિયાના કહેવા પર થઈ રહ્યું છે. જેમાં દારૂના ધંધાર્થીઓને ગેરકાનૂની રીતે ફાયદો થયો હતો, જ્યારે આ અંગે કોઈ દરખાસ્ત ન તો મંત્રી જૂથની બેઠકમાં મૂકવામાં આવી હતી કે ન તો અન્ય પ્લેટફોર્મ પર ચર્ચા થઈ હતી. તેના બદલે, ફક્ત સિસોદિયા જ તેના વિશે જાણતા હતા.


ઉલ્લેખનીય છે કે, EDએ કથિત રીતે એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં ગુરુવારે સાંજે સિસોદિયાની તિહાર જેલમાંથી ધરપકડ કરી હતી. બીજી તરફ આજે સવારે સ્પેશિયલ કોર્ટમાં અરજી દાખલ કરીને સિસોદિયાને દસ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ પર મોકલવાની માંગણી કરવામાં આવી હતી. આ સાથે EDએ કોર્ટમાં દલીલ કરી છે કે સિસોદિયાના કહેવા પર જ નિયમ બદલવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચારની આ રમતમાં મનીષ સિસોદિયાની રૂબરૂ પૂછપરછ કરવાની છે.ઇડીએ કોર્ટને જણાવ્યું કે ચોક્કસ ઉદ્યોગપતિઓની કમાણી માટે એક્સાઇઝ પોલિસીમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. માર્જિન વધારીને 12 ટકા કરવાનો નિર્ણય લેવાયો હતો.


ED અનુસાર, સિસોદિયાની ધરપકડ પહેલા આઠ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તેઓ કેસની તપાસમાં સહકાર આપી રહ્યા નથી. જેના કારણે તેની ધરપકડ કરવી પડી હતી. આ આરોપો સાથે EDએ કોર્ટમાં સિસોદિયાના પોલીસ કસ્ટડી રિમાન્ડની પણ માંગ કરી છે. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ એમકે નાગપાલની કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે.