operation tiger shiv sena split: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ લાવનારા 'ઓપરેશન ટાઇગર'નો ફાઇનલ તબક્કો હવે શરૂ થઈ ગયો છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) માં મોટો બળવો થવાની પૂરેપૂરી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઠાકરે જૂથના 9 માંથી 6 સાંસદો ચાર્ટર્ડ પ્લેનમાં દિલ્હી પહોંચી ગયા છે અને તેઓ 17 જૂન (બુધવારે) લોકસભા સ્પીકરને મળીને એકનાથ શિંદે જૂથને પોતાનું સમર્થન આપી શકે છે. બીજી તરફ, મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના પુત્ર શ્રીકાંત શિંદે પણ કાનૂની ટીમ સાથે દિલ્હી પહોંચ્યા છે, જેનાથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
શિંદે અને તેમની લીગલ ટીમ દિલ્હીમાં એક્શન મોડમાં
બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં પડેલા ભાગલા બાદ મહારાષ્ટ્રમાં પણ 'ઓપરેશન ટાઇગર'ની ચર્ચાઓ તેજ થઈ ગઈ હતી. 14 જૂને ઉદ્ધવ ઠાકરેની બેઠકમાં 5 સાંસદોની ગેરહાજરીએ આ અફવાઓને વધુ હવા આપી હતી. હવે માહિતી મળી રહી છે કે સાંજે 7:30 વાગ્યે નાંદેડ એરપોર્ટથી એક ચાર્ટર્ડ પ્લેન દિલ્હી જવા રવાના થયું હતું, જેમાં 6 સાંસદો સવાર હતા. આ તમામ સાંસદો હાલ સંપર્ક વિહોણા છે.
આ સાંસદોને કાનૂની રીતે કેવી રીતે શિંદે જૂથમાં ભેળવવા અને સ્પીકર સમક્ષ ટેકાનો પત્ર કેવી રીતે રજૂ કરવો, તે અંગે રણનીતિ ઘડવા મુખ્યમંત્રી એકનાથ શિંદે રાત્રે 9:30 વાગ્યે મુંબઈથી ચાર્ટર્ડ પ્લેનમાં દિલ્હી જવા રવાના થયા હતા. તેમના પુત્ર શ્રીકાંત શિંદે અગાઉથી જ પોતાની લીગલ ટીમ સાથે દિલ્હીમાં હાજર છે.
કયા 6 સાંસદો દિલ્હી પહોંચ્યા?
સૂત્રોના જણાવ્યા અનુસાર નીચે મુજબના 6 સાંસદો દિલ્હી પહોંચી ચૂક્યા છે:
નાગેશ પાટીલ અષ્ટિકર (હિંગોલી)
સંજય દેશમુખ (યવતમાળ-વાશિમ)
સંજય જાધવ (પરભણી)
સંજય દિના પાટીલ (મુંબઈ નોર્થ ઈસ્ટ)
રાજાભાઉ વાઝે (નાસિક)
ભાઉસાહેબ વાકચૌરે (શિરડી)
ઠાકરે જૂથના કુલ 9 સાંસદોમાંથી બાકીના જે 3 સાંસદો દિલ્હી નથી ગયા તેમાં અરવિંદ સાવંત (મુંબઈ દક્ષિણ), અનિલ દેસાઈ (મુંબઈ મધ્ય) અને ઓમરાજે નિમ્બાલકર (ધારાશિવ) નો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ બંગાળ બાદ હવે મહારાષ્ટ્રમાં મોટો ખેલ થશે! ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ફરી ભંગાણ? 7 સાંસદો....
કયા સાંસદને શું ઑફર આપવામાં આવી?
રાજકીય વર્તુળોમાં એવી પણ ભારે ચર્ચા છે કે એકનાથ શિંદેએ આ સાંસદોને પોતાની તરફ ખેંચવા માટે મોટા વચનો આપ્યા છે:
સંજય જાધવ: પરભણીના આ નારાજ સાંસદને કેન્દ્રમાં મંત્રી પદ અને તેમના મતવિસ્તાર માટે મોટા ફંડની ખાતરી આપવામાં આવી છે.
નાગેશ પાટીલ અષ્ટિકર: હિંગોલીના સાંસદને વિસ્તારના વિકાસ માટે મોટું ભંડોળ અને 2029 ની ચૂંટણીમાં ફરીથી ટિકિટ આપવાનું વચન અપાયું છે.
ભાઉસાહેબ વાકચૌરે: ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં પોતાનું કોઈ ભવિષ્ય ન દેખાતા તેમણે શિંદે જૂથ સાથે જોડાવાનો નિર્ણય લીધો છે.
ઓમરાજે નિમ્બાલકર: ભલે તેઓ દિલ્હી નથી ગયા, પરંતુ તેઓ પણ 'ઓપરેશન ટાઈગર'ના લિસ્ટમાં છે. તેમને તેમના ભાઈના બેંક કેસનો ઉકેલ લાવવા અને કાકાની કંપનીનું કામ સરળ કરી આપવાનું આશ્વાસન અપાયું હોવાની ચર્ચા છે.
આ પણ વાંચોઃ શિવસેનામાં ફરી ભંગાણ? પક્ષ પલટાની અફવાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી સાંસદોની બેઠક
