જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાં બીજેપી-પીડીપીના ગઠબંધનની સરકારમાં આજે મોટું કેબિનેટ ફેરબદલ થયું, ડેપ્યૂટી સીએમ નિર્મલ સિંહના રાજીનામા બાદ વિધાનસભા સ્પીકર કવિન્દર ગુપ્તાને ડેપ્યૂટી સીએમ બનાવવામાં આવ્યા છે. વળી નિર્મલ સિંહને વિધાનસભાના સ્પીકરની જવાબદારી સોંપવામાં આવી છે


ભાજપના આ નવા ચહેરાઓને પદ અને ગુપ્તતાની શપથ લેવડાવવામાં આવી અને પાર્ટીની પ્રદેશ પાંખના અધ્યક્ષ સતપાલ શર્મા, કઠુઆના ધારાસભ્ય રાજીવ જસરોટિયા તથા સાંબાના ધારાસભ્ય દવિન્દર કુમાર માન્યાલ સામેલ થયા હતા.

રાજ્ય સરકારમાં પરિવહન રાજ્ય મંત્રી સુનિલ શર્માને બીજેપીએ કેબિનેટ મંત્રીના રૂપમાં પદોન્નતિ આપી છે. ડોડાના ભાજપી ધારાસભ્ય શક્તિ રાજને રાજ્ય મંત્રીના રૂપમાં શપથ લેવડાવ્યા. પીડીપીના જે મંત્રીઓને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે, તેમાં પુલવામાના ધારાસભ્ય મોહમ્મદ ખલીલ બાંદ અને સોનવરના ધારાસભ્ય મોહમ્મદ અશરફ મીર સામેલ છે.

બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવ તથા વડાપ્રધાન કાર્યાલય જિતેન્દ્ર સિંહે શપથગ્રહણ સમારોહમાં ભાગ લીધો. બીજેપીના મહાસચિવ રામ માધવે કહ્યું કે, "મંત્રીમંડળમાં ફેરબદલનો કઠુઆ કાંડ સાથે કંઇ લેવાદેવા નથી. અમારી સરકાર ત્રણ વર્ષ પુરા કરી ચૂકી હતી અને અમે કેટલાક નવા ચહેરાઓને ચાન્સ આપવા માંગતા હતા."

ઉલ્લેખનીય છે કે, કઠુઆ ગેંગરેપ કેસ મામલે ભાજપના બને મંત્રીઓના રાજીનામા આપ્યા બાદ ભાજપે 17 એપ્રિલે રાજ્ય સરકારમાં પોતાના બધા નવ મંત્રીઓના રાજીનામા આપવાની વાત કહી હતી. રવિવારે નવા મંત્રીમંડળને અંતિમ રૂપ આપવા માટે જમ્મુ-કાશ્મીરના ઉપમુખ્યમંત્રી નિર્મલ સિંહ દિલ્હી પહોંચ્યા. બપોર બાદ વિધાનસભા સ્પીકર કવિન્દ્ર ગુપ્તાએ પણ દિલ્હી બોલાવવામાં આવ્યા હતા.