નવી દિલ્લીઃ સાઉથ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે આખી દુનિયામાં આ વેરિયન્ટને લઈને ફફડાટ ફેલાઇ ગયો છે. ભારતમાં પણ આ વેરિયન્ટને લઈને પગલા ભરવામાં આવી રહ્યા છે, ત્યારે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગના સચિવ રાજેશ ભૂષણ આજે રાજ્યો સાથે આ નવા વેરિયન્ટને લઈને સમીક્ષા બેઠક કરવાના છે. 






હવે ન્યુઝ એજન્સી એનઆઇએ સત્તાવાર સૂત્રોના હવાલાથી સમાચાર આપ્યા છે કે, આજે મધ્યરાત્રિથી અમલી બનેલી સુધારેલી મુસાફરી માર્ગદર્શિકાના સરળ અમલીકરણ માટે રાજ્યોને આરોગ્ય અધિકારીઓ, એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બ્યુરો ઓફ ઈમિગ્રેશન અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે આજે એક અથવા વધુ બેઠકો કરવાની સલાહ આપવામાં આવે છે.


કોરોનાના નવા વેરિયન્ટને લઈને ભારત સરકાર એલર્ટ બની છે. આજે રાજ્યસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ નવા વેરિયન્ટને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અત્યારે કોરોનાના નવા વેરિયન્ટને એક પણ કેસ નથી. કોરોનાનો નવો વાયરસ દુનિયાના 14 દેશોમાં મળ્યો છે, પરંતુ આપણે ત્યાં હજુ સુધી એક પણ કેસ મળ્યો નથી. એક એડવાઇઝરી જાહેર કરાઈ છે. કોઈ સંદીગ્ધ મામલો હોય, તો તેની તપાસ તાત્કાલિક કરાઈ રહી છે અને જીનોમ સિક્વન્સ પણ તપાસાઈ રહી છે. 


કોરોના નિયંત્રણો અંગેની નવી ગાઈડ લાઈન આજે જાહેર થશે. 30મી નવેમ્બર એટલે કે આજે જૂની ગાઈડ લાઈનની સમય અવધિ પુરી થઈ રહી છે. હાલ 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અને સામાજિક પ્રસંગોમાં 400ની મર્યાદા નક્કી છે. નવા વેરીએન્ટ વચ્ચે નવી ગાઈડ લાઈનમાં વધુ છૂટછાટો અપાય છે કે નિયંત્રણો યથાવત રખાય છે તે થશે આજે નક્કી થશે. ગઈ કાલે ગૃહ મંત્રી અને અધિક મુખ્ય સચિવ વચ્ચે ગાઈડ લાઈનને લઈને ચર્ચા થઈ હતી. આજ સાંજ સુધીમાં કોરોના નિયંત્રણો અંગેની નવી ગાઈડ લાઈન જાહેર થશે.


 


છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 49 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,081 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 4,94,213 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  વડોદરા કોર્પોરેશનમાં 6, અમદાવાદ કોર્પોરેશનમાં 5, ભરુચ 5, સુરત કોર્પોરેશન 4, કચ્છ 3,  ભાવનગર કોર્પોરેશન 1, જામનગર કોર્પોરેશન 1, પંચમહાલ 1 અને સુરતમાં  1  કોરોનાનો કેસ નોંધાયો હતો.



 


 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 262  કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 258 નાગરિકો સ્ટેબલ છે. 8,17,081  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.