ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક છે. જેમાં લાખો લોકો દરરોજ મુસાફરી કરે છે. તેનું સંચાલન કરવા માટે 12 લાખ કર્મચારીઓ કામ કરે છે, જે કોઈપણ દેશની રેલવે સિસ્ટમમાં સૌથી વધુ છે, અને તે દેશના લગભગ દરેક ખૂણાને એકબીજા સાથે જોડે છે. તેથી જ તેને દેશની લાઈફલાઈન પણ કહેવામાં આવે છે.
આપણે બધા સમયાંતરે આપણી જરૂરિયાત અને શોખ અનુસાર આ ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ. આ સાથે આપણે મુસાફરી દરમિયાન રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓનો લાભ પણ લઈએ છીએ. આમાંની કેટલીક સુવિધાઓનો ચાર્જ સીધો ચૂકવવો પડે છે અને કેટલીક માટે પરોક્ષ રીતે.
આવી જ એક સુવિધા ટ્રેનમાં એસી ક્લાસ (થર્ડ એસી, સેકન્ડ એસી, ફર્સ્ટ એસી) ના કોચમાં ઉપલબ્ધ બેડ રોલ છે, જેમાં ધાબળો, ચાદર, ઓશીકું અને ટુવાલનો સમાવેશ થાય છે.
શું તમે રેલ્વેનો આ નિયમ જાણો છો ?
આ બેડરોલ મુસાફરોને તેમની સીટ પર IRCTC (ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) દ્વારા પૂરો પાડવામાં આવે છે, જેનું બુકિંગ ટિકિટ બુકિંગ સાથે કરવામાં આવે છે, અને તેના ચાર્જ પણ ટિકિટ સાથે જોડાયેલા હોય છે.
આ બેડરોલ મુસાફરીના અંતે રેલવેને પરત કરવો પડશે. આ દરેક મુસાફરની નૈતિક જવાબદારી છે. તેને તમારી સાથે લઈ જવું એ સજાપાત્ર ગુનો છે. કારણ કે આ બધું રેલવેની મિલકત છે.
પરંતુ શું તમે જાણો છો કે જો તમે ટ્રેનમાંથી ધાબળો, ચાદર, ઓશીકું અથવા ટુવાલ લઈ જતા પકડાઈ જાઓ તો તમારી સાથે શું થઈ શકે છે ? જાણો દેશનો કાયદો આ વિશે શું કહે છે.
ધાબળો, ચાદર, ઓશીકું અથવા ટુવાલ ચોરી કરવા બદલ સજા
જો કોઈ મુસાફર ટ્રેનમાંથી રેલ્વે ધાબળો, ચાદર, ઓશીકું અથવા ટુવાલ લઈ જતા રંગે હાથ પકડાય છે, તો તેને ₹ 1000 નો દંડ ભરવો પડશે. અને જો તે 1000 રૂપિયાનો દંડ ભરવાનો ઇનકાર કરે છે અથવા અસમર્થતા વ્યક્ત કરે છે, તો કાયદામાં 1 વર્ષની જેલની જોગવાઈ છે. તો ભૂલથી પણ આવું ક્યારેય ન કરો.
ચાલો તમને જણાવી દઈએ કે, ભારતીય રેલવેમાં ધાબળા, ચાદર, ઓશીકું વગેરેને રેલવેની મિલકત માનવામાં આવે છે. જો ચોરી થાય તો, રેલવે પ્રોપર્ટી એક્ટ, 1966 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જો પહેલી વાર પકડાય તો એક વર્ષ સુધીની જેલ અથવા 1000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, એટલે કે, જો આ ગુનો એકથી વધુ વખત પુનરાવર્તિત થાય છે, તો 5 વર્ષ સુધીની જેલ અને દંડ બંને થઈ શકે છે.
રેલવેના નિયમો કહે છે કે જો ચોરીના માલ સાથે પકડાય તો રેલવે પોલીસ (GRP) અથવા રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) મુસાફર સામે કાર્યવાહી કરી શકે છે. તેથી મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ મુસાફરી દરમિયાન મળેલો માલ તેમની સીટ પર છોડી દે અથવા તેને એટેન્ડન્ટને પરત કરે.