એક અભ્યાસમાં ગુરુવારે (5 સપ્ટેમ્બર 2024) જણાવવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારના સ્વચ્છ ભારત મિશન હેઠળ બનાવવામાં આવેલા શૌચાલયોથી દર વર્ષે 60થી 70 હજાર નવજાત શિશુઓના મૃત્યુને રોકવામાં મદદ મળી છે. આ અભ્યાસ સાયન્ટિફિક રિપોર્ટ્સ નામની એક જર્નલમાં પ્રકાશિત થયો હતો, જેમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ બનેલા શૌચાલયો સુધીની પહોંચમાં વધારો અને 2000થી 2020 સુધી પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં ઘટાડા વચ્ચેના સંબંધોની તપાસ કરવામાં આવી હતી.
600થી વધુ જિલ્લાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ અમેરિકાના આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ સંશોધન સંસ્થાના સંશોધકોએ 20 વર્ષોમાં 35 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને 600થી વધુ જિલ્લાઓને આવરી લેતા રાષ્ટ્રીય સ્તરના આંકડાઓનું વિશ્લેષણ કર્યું છે. અભ્યાસ અનુસાર, જિલ્લા સ્તરે શૌચાલય સુધીની પહોંચમાં 10 ટકાનો સુધારો, શિશુ મૃત્યુદરમાં 0.9 અંકનો ઘટાડો અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદરમાં 1.1 અંકનો ઘટાડો થયો છે.
અભ્યાસના લેખકોએ જણાવ્યું હતું કે ભારતમાં શૌચાલય સુધીની પહોંચ અને બાળકોના મૃત્યુ વચ્ચે વિપરીત સંબંધ છે. તેમણે કહ્યું કે કોઈ જિલ્લામાં શૌચાલય કવરેજમાં 30 ટકા અથવા તેનાથી વધુ સુધારો થવાથી બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે. અભ્યાસ અનુસાર રાષ્ટ્રીય સ્વચ્છતા કાર્યક્રમને કારણે જ આ સુધારા થયા છે.
પીએમ મોદીએ રિપોર્ટની પ્રશંસા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિપોર્ટની પ્રશંસા કરતા કહ્યું કે વધુ સારી સ્વચ્છતા ભારતમાં જાહેર આરોગ્યના ક્ષેત્રમાં મોટું પરિવર્તનકારી પગલું સાબિત થઈ છે. તેમણે આ રિપોર્ટનો હવાલો આપતા કહ્યું, "સ્વચ્છ ભારત મિશન જેવા પ્રયાસોની અસર દર્શાવતા સંશોધન જોઈને આનંદ થયો. શૌચાલયો સુધીની પહોંચ શિશુ અને બાળ મૃત્યુદર ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્વચ્છતા, સુરક્ષિત સફાઈ વ્યવસ્થા જાહેર આરોગ્યના ક્ષેત્રમાં એક મોટું પરિવર્તનકારી પગલું બની ગઈ છે અને મને આનંદ છે કે ભારતે આમાં અગ્રણી ભૂમિકા ભજવી છે."
પીએમ મોદીએ એક્સ (ટ્વિટર) પર બ્રિટનની સાપ્તાહિક વિજ્ઞાન પત્રિકા નેચરમાં પ્રકાશિત સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય નિર્માણ અને ભારતમાં શિશુ મૃત્યુદર વિષય પર થયેલા સંશોધનની લિંક પણ શેર કરી હતી. સ્વચ્છ ભારત મિશન ખુલ્લામાં શૌચની કુપ્રથાને નાબૂદ કરવા અને ઘન કચરા વ્યવસ્થાપનમાં સુધારો લાવવા માટે બે ઓક્ટોબર 2014ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું એક રાષ્ટ્રવ્યાપી અભિયાન છે. (ઇનપુટ એજન્સીઓ પાસેથી પણ)
આ પણ વાંચોઃ
સશસ્ત્ર દળોએ યુદ્ધ માટે તૈયાર રહેવાની જરૂર છે', જાણો રક્ષામંત્રી રાજનાથ સિંહે કેમ કહી આ મોટી વાત